બીજેપીએ મહેણું ભાંગ્યું:ગાંધીનગર સુધરાઈની ચૂંટણીમાં ૧૦ વર્ષે મેળવી પ્રચંડ બહુમતી

06 October, 2021 11:59 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

૪૪માંથી ૪૧ બેઠકો પર વિજય : ઓખા અને થરા નગરપાલિકામાં પણ કેસરિયો લહેરાયો, ભાણવડ નગરપાલિકામાં કૉન્ગ્રેસની જીત

ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓમાં બીજેપીનો વિજય થતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બીજેપીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલનું મોં મીઠું કરાવ્યું હતું.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે કુલ ૪૪ બેઠકોમાંથી ૪૧ બેઠકો પર વિજય મેળવવા સાથે પ્રચંડ બહુમતી મેળવીને બીજેપીએ મહેણું ભાંગ્યું છે એટલું જ નહીં, ઓખા અને થરા નગરપાલિકામાં પણ કેસરિયો લહેરાયો છે, જ્યારે ભાણવડ નગરપાલિકામાં કૉન્ગ્રેસની જીત થઈ છે. 
ગાંધીનગર મહાનગરપાલિકામાં છેલ્લાં ૧૦ વર્ષ દરમ્યાન ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળી નથી. આ વખતે યોજાયેલી ચૂંટણી જીતવા માટે બીજેપીએ એડી-ચોટીનું જોર લગાવ્યું હતું એટલું જ નહીં, ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગર ચૂંટણીમાં ખુદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૅલી યોજી હતી. એ ઉપરાંત બીજેપીના પ્રધાનો ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓ સાથે કામે લાગ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકામાં જીત મેળવવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની આક્રમક રણનીતિ અને મુખ્ય પ્રધાનની સ્વચ્છ છબી મતદારો પર કમાલ કરી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.
ગાંધીનગરની બે બેઠક પર કૉન્ગ્રેસનો અને એકમાત્ર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આમ ગાંધીનગર મહાનગરપાલિકામાં બીજેપીએ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. જોકે આમ આદમી પાર્ટીએ એક બેઠક મેળવીને ગાંધીનગરમાં એન્ટ્રી કરી છે.
ગાંધીનગર પાસે આવેલા બીજેપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ અને આગેવાનોએ વિજયોત્સવ મનાવ્યો હતો. પ્રદેશ કાર્યાલય ખાતે સાંજે જનતા જનાર્દન અભિવાદન સમારોહ ઊજવાયો હતો.
બીજેપીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા તેમ જ તાલુકા પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં કુલ ૨૩૨ બેઠકો પૈકી ૨૨૯ બેઠકોનાં જાહેર થયેલાં પરિણામોમાંથી બીજેપીને ૧૭૫ બેઠકો પ્રાપ્ત થઈ છે.‍
ચૂંટણીઓમાં જીત મળતાં ગાંધીનગર પાસે આવેલા ગુજરાત બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો એકઠા થયા હતા અને જીતની ઉજવણી કરી હતી. 

ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જગ્યા નથી – સી.આર.પાટીલ

ગુજરાતમાં ગઈ કાલે આવેલાં ચૂંટણી પરિણામો બાદ સી. આર. પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘ગાંધીનગરમાં બીજેપી ૪૧ બેઠકો સાથે વિજયી થઈ છે. કૉન્ગ્રેસને ફક્ત બે સીટ મળી છે અને જે ખૂબ ગાજ્યા હતા પણ વરસ્યા નહીં. તેમને ૧ સીટ મળી છે. ગુજરાતની પ્રજાએ તેમને રિજેક્ટ કર્યા છે. ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. ગુજરાતનાં શાણાં મતદાર ભાઈઓ-બહેનો ગુજરાત અને દેશનું હિ ત કઈ પાર્ટીને મત આપવાથી જળવાશેએ સમજે છે અને એ રીતે મતદાન કરે છે તેમને હું વંદન કરું છું. લોકો સાથે જે સંપર્ક જાળવ્યો અને નાની-મોટી તકલીફોમાં તેમની સાથે રહ્યા એના કારણે ગાંધીનગર સહિત ગુજરાતમાં અનેક ઇલેકશન અંદર બીજેપીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.’

ગુજરાતની પ્રજાનો આભાર : મોદી

ગુજરાતમાં સ્થાનિક સુધરાઈની ચૂટણીમાં બીજેપીના વિજય બદલ લોકોનો આભાર માનતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતભરમાં અને ગાંધીનગરની સુધરાઈની ચૂંટણીનાં પરિણામો ગુજરાતના લોકો તથા બીજેપી વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે. અમારા પર વિશ્વાસ દર્શાવવા બદલ આભાર તેમ જ તમામ સ્તરે સખત મહેનત કરનારા બીજેપીના કાર્યકરોને પણ ખૂબ-ખૂબ ધન્યવાદ.’

182
ભુપેન્દ્ર પટેલના મતે પક્ષમાં બધાએ વિધાનસભાની આટલી બેઠકો ફરી જીતવાની વાતને લક્ષમાં રાખીને જ ચાલવાનું છે. પટેલે કહ્યું કે સી. આર. પાટીલ મજાકમાં બોલ્યા કે આપણને ગાંધીનગરમાં ત્રણ સીટ ઓછી કેમ આવી?

gujarat news gujarat shailesh nayak