ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ૧૦૦ નવા ચહેરા ઉતારશે

13 October, 2021 11:33 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

હિંમતનગરમાં સી. આર. પાટીલે કહ્યું કે જો કોઈ નેતાને અંસતોષ હોય તો તેમણે દિલ્હીમાં હાઈ કમાન્ડને મળવું

હિંમતનગરમાં યોજાયેલા પક્ષના કાર્યક્રમમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ.

ગુજરાતમાં તાજેતરમાં બીજેપીએ મુખ્ય પ્રધાન સહિત આખી નવી સરકાર રચ્યા બાદ હવે બીજેપી વધુ એક નવીન રાજનીતિક અભિગમ અપનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આવતા વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ૧૦૦થી વધુ નવા ચહેરાઓને ઉતારશે.
બીજેપીના પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં સોમવારે યોજાયો હતો જેમાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘દરેક કાર્યકર ચૂંટણીમાં ટિકિટ માગી શકે છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૦થી વધુ નવા વિધાનસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટિકિટ આપવી કે નહીંએ બીજેપીનો હાઈ કમાન્ડ નક્કી કરે છે. એ પણ સર્વે કરી જે ઉમેદવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરાને તક આપવામાં આવશે. એટલે બીજેપીનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે, તેમનાં કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસમાં લાગી જાય.’
તેમણે કહ્યું હતું કે કોઈએ પણ ટિકિટ માટે મારો સંપર્ક કરવો નહીં. આ નિર્ણય હાઈ કમાન્ડે લીધો છે. જે કોઈ નેતાને  અંસતોષ હોય તેમણે દિલ્હી જવું. 

gujarat gujarat news gujarat politics