ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 41 બેઠક જીતી મેળવ્યો વિજય, 10 વર્ષમાં પહેલીવાર મળી બહુમતી

05 October, 2021 02:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાંધીનગર મનપાની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર તો કોંગ્રેસ 3 બેઠક પર જીત મેળવી છે.

ભાજપનો લોગો

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરીણામ પર સૌ કોઈ નજર માંડીને બેઠા હતાં. આખરે આજે તેનું પરીણામ આવી ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ગાંધીનગર મનપાની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર તો કોંગ્રેસ 3 બેઠક પર જીત મેળવી છે. 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.

ગુજરાતમાં પોતાનું નામ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે. બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ગાંધીનગર મનપામાં ભવ્ય જીતની ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે જોરદાર ઉજવણી કરવામાં આવી છે અને ઉત્સવનો માહોલ છે.

11 વોર્ડમાંથી 9 વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ જીત હાંસિલ કરી છે. જ્યારે વોર્ડ 3 અને વોર્ડ 6માં પેનલ તુટી છે. વોર્ડ 3 માં એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.


ભાજપની જીતના સમીકરણો
 
ભાજપે નવી રણનીતિ ઘડી નો રિપીટ થિયરી અપનાવી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું દરેક બૂથ પર માઇક્રો મેનેજમેન્ટ હતું જેની અસર સારી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. પ્લાનિંગ સાથે ચૂંટણીનું મતદાન થતાં ભાજપના ખાતામાં વધારે મત પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મેગા રોડ-શો કરી પ્રચાર કર્યો હતો. ભાજપ છેલ્લી ઘડી સુધી દરેક ગામડાઓમાં રેલી અને સભાઓનું આયોજન કરીને મતદારો સુધી પહોંચ્યું, આ સમીકરણોનો ભાજપની જીતમાં મહત્વનો ફાળો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 

શા માટે કોંગ્રેસ રહી ગઈ પાછળ

ગાંધીનગર મનપાની અગાઉની બંને ટર્મમાં કોંગ્રેસને સૌથી વધુ મત મળ્યા હતાં, છતાં આ વર્ષે તે ટકી શકી નહીં. ભાજપના આક્રમક પ્રચાર સામે કોંગ્રેસનો નબળી પ્રચાર નીતી રહી, જ્યારે નેતાઓ યોગ્ય રણનીતિ ઘડવામાં નિષ્ફળ રહ્યાં હોય તેવું લાગ્યુ. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના મતો તુટ્યા હોવાનું કારણ હોય શકે છે.  પક્ષપલટુ નેતાઓને કારણે લોકોનો કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ તૂટ્યો, જ્યારે અગાઉ ચૂંટાયેલા નેતાઓની નબળી કામગીરીને કારણે કોંગ્રસે પાછળ રહી હોય તેવું બની શકે. 

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો દિપીકાબેન સવજીભાઇ સોલંકી, ભરતભાઇ મનજીભાઇ ગોહિલ
દક્ષાબેન વીક્રમજી મક્વાણા,    સવિતાબેન હેમતાજી ઠાકોર, ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, જસપાલસિંહ પ્રવિણસિંહ  કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા,  હેમાબેન મંથનકુમાર ભટ્ટ, પટેલ કિંજલકુમાર દશરથભાઇ, પદમસિંહ ભરતસિંહ ચૌહાણ, ભાવનાબેન વિક્રમસિંહ ગોલ, પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરીયા સહિતના નામો છે.     
    

gujarat news gandhinagar gujarat bharatiya janata party bhupendra patel