બીજેપીએ કેવી રીતે પાર પાડી અગ્નિપરીક્ષા?

13 December, 2022 10:56 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં બીજેપીએ જેટલી ભવ્ય જીત મેળવી એટલી જ મુશ્કેલી પ્રધાનમંડળની રચનામાં અનુભવાઈ હશે, આખરે બીજેપીએ પ્રધાનમંડળમાં જ્ઞાતિનાં સમીકરણ સંતુલિત કર્યાં, લેઉવા અને કડવા પાટીદાર, જૈન, બ્રાહ્મણ, આદિવાસી, દલિત, ઓબીસી, કોળી, ક્ષત્રિય સમાજને સ્થાન આપ્યું

ગાંધીનગરમાં યોજાયેલી શપથવિધિમાં ૨૦૦ જેટલા સાધુસંતોએ હાજર રહીને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા હતા.

અમદાવાદ : ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી નવી સરકારમાં બીજેપીએ પ્રધાનમંડળની રચનામાં જ્ઞાતિનાં સમીકરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. ઝોન વાઇઝ પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ ફાળવ્યું છે અને ૧૬ સભ્યોના પ્રધાનમંડળમાં એક મહિલા પ્રધાનનો પણ સમાવેશ કરાયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદારોએ ખોબલેખોબલા ભરીને મત આપતાં ૧૫૬ બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ બીજેપી માટે પ્રધાનમંડળમાં કોને સમાવવા એ બાબત અગ્નિપરીક્ષા જેવી બની રહી હતી, પરંતુ ગુજરાતમાં સતત બીજી વખત બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જ્ઞાતિનાં સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે અને સંતુલિત પ્રધાનમંડળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. મુખ્ય પ્રધાન ઉપરાંત ૧૬ પ્રધાનોના પ્રધાનમંડળમાં લેઉવા અને કડવા પાટીદાર, જૈન, બ્રાહ્મણ, આદિવાસી, દલિત, ઓબીસી, કોળી, ક્ષત્રિય સમાજને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પાંચ–પાંચ વિધાનસભ્યોને અને ઉત્તર તેમ જ મધ્ય ગુજરાતમાંથી ત્રણ–ત્રણ વિધાનસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલનાં પત્ની હેતલ પરિવાર સાથે શપથવિધિમાં હાજર રહ્યાં હતાં.

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ૧૬ પ્રધાનોમાં માત્ર એક મહિલાનો સમાવેશ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલાં અને ત્રીજી વખત પણ વિજેતા બનેલાં ભાનુબહેન બાબરિયાને કૅબિનેટમાં સ્થાન આપ્યું છે.

આ પણ વાંચો : Gujarat CM: બીજી વાર ગુજરાત રાજ્યની કમાન સંભાળી ભુપેન્દ્ર પટેલે,કોણ બન્યા કેબિનેટ મંત્રી? જાણો

ઉલ્લેખનીય બાબત એ છે કે વડોદરા શહેરમાંથી એક પણ વિધાનસભ્યનો પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો નથી. જોકે ગુજરાતના પ્રધાનમંડળમાં કુલ ૨૭ પ્રધાનો બનાવી શકાય છે અને અત્યારે હાલમાં ૧૬ પ્રધાનો રાખ્યા છે એટલે ભવિષ્યમાં બીજા ૧૧ પ્રધાન બની શકે છે. એવું પણ બને કે પાછળથી નવા પ્રધાનનો ઉમેરો કરવામાં પણ આવે એવી શક્યતા નકારી શકાય નહીં.

gujarat cm gujarat news ahmedabad narendra modi bhupendra patel gujarat election 2022