લવ જિહાદ વિરુદ્ધ ગુજરાતમાં મોરચો

17 March, 2023 11:54 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બીજેપી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યે દીકરીઓની સલામતી માટે થઈને ગુજરાત વિધાનસભામાં ઉઠાવ્યો મુદ્દો અને કહ્યું કે અસામાજિક તત્ત્વો દીકરીને ફોસલાવી-લલચાવી મૅરેજ કરી લે છે ત્યારે કોર્ટ-મૅરેજમાં માતા-પિતાની સહી અને સંમતિ જરૂરી બનાવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવ જિહાદના કિસ્સા બહાર આવ્યા છે અને અસામાજિક તત્ત્વો દીકરીને ફોસલાવી-લલચાવી મૅરેજ કરી લે છે ત્યારે આવા કિસ્સામાં કોર્ટ-મૅરેજમાં માતા-પિતાની સહી અને સંમતિ જરૂરી બનાવવાની માગણી ગઈ કાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં થઈ હતી. દીકરીઓની સલામતી માટે થઈને બીજેપી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યે ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમ જ ગામમાં જ લગ્નની નોંધણી અને લગ્ન થવાં જોઈએ એવી રજૂઆત કરી હતી.

ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે કાયદા વિભાગની માગણીઓ પર ગૃહમાં ચર્ચા હતી એ દરમ્યાન કાલોલના બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણ અને વાવનાં કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે લવ-મૅરેજનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લવ-મૅરેજ થાય છે અને છોકરા-છોકરી અન્ય જિલ્લામાં લગ્ન કરી નોંધણી કરાવે છે. માતા-પિતાને પાછળથી એની ખબર પડે છે. અમારા વિસ્તારમાં ઘણા કિસ્સા બન્યા છે અને એના કારણે ક્રાઇમ રેટ ઊંચો થતો જાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ​કિડનૅપર્સે મુસ્લિમ બનવા ના પાડનારી હિન્દુ મહિલા પર બળાત્કાર કર્યો

વિધાનસભા ગૃહમાં મેં માગણી કરી હતી કે માતા-પિતાની સંમતિ સિવાય કોર્ટ-મૅરેજ ન થવા જોઈએ. સ્થાનિક પંચોની હાજરીમાં અને ગામમાં નોંધણી થવી જોઈએ, જેના કારણે માતા-પિતાને પ્રૉબ્લેમ ન આવે. અસામાજિક તત્ત્વો લલચાવી-ફોસલાવી આવાં લગ્નો કરી લેતાં હોય છે. પ્રેમલગ્ન થયાં પછી બે-ત્રણ વર્ષમાં સંબંધ તૂટી જતો હોય છે ત્યારે ઘણા કિસ્સામાં દીકરીને માતા-પિતા નથી રાખતાં કે નથી પેલો રાખતો ત્યારે દીકરી માટે મોટી મુશકેલી આવે છે.’

 કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે ‘અસામાજિક તત્ત્વો દીકરીની નાદાનીનો લાભ લઈને ફોસલાવી લવ-મૅરેજ કરી લે છે. કોઈ પણ દીકરી લવ-મૅરેજ કરે એની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પણ આવા લગ્નની નોંધણી જે-તે ગામની દીકરી હોય એ ગામમાં એનાં લગ્નની નોંધણી થવી જોઈએ.’

gujarat news Gujarat Congress Gujarat BJP ahmedabad jihad shailesh nayak