15 June, 2024 07:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સારસા ગામમાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સંસદસભ્ય સહિતના જિલ્લાના હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના સારસા ખાતે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સંવાદ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં એક મહિલા કાર્યકરે સરકારી કચેરીમાં ચાલતી અધિકારીઓની નીતિરીતિ સામે ફરિયાદ કરી હતી.
BJPના સંસદસભ્ય મિતેશ પટેલની હાજરીમાં જ તેમની ભત્રીજી હોવાનું જણાવતાં જ્યોતિ પટેલ નામની એક મહિલાએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘મારે આ કહેવાય કે ના કહેવાય એની ખબર નથી, કદાચ ઠપકો બી મળી શકે; પણ કોઈ બી કામ કરાવવા જઈએ ત્યારે ચા કરતાં કીટલીઓ બહુ ગરમ હોય છે. આ મેં મિતેશભાઈને બી કહ્યું હતું અને પછી જો હું એવું કહું કે હું મિતેશભાઈની ભત્રીજી છું તો કહે કે હા, મૅડમ આવી જાઓ કામ થઈ જશે. મારી જોડે ઘણા લોકો આવતા હોય. અમે BJPનો ઝંડો લઈને ફરીએ તો અમને બધા કહે આ કરી આપો, આ કરી આપો; પણ અમારું જ આગળ ના ચાલતું હોય તો અમે શું કરીએ, એટલે પ્લીઝ આ ધ્યાન રાખજો સાહેબ.’
ગ્રામજનોની રજૂઆતો-ફરિયાદ સાંભળ્યા બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને આ મહિલાની ફરિયાદના મુદ્દે એમ કહ્યું હતું કે ‘અહીંથી આગળ કલેક્ટર ઑફિસ બી જવાનું છે. અહીં જેમ કીધુંને કે આ કીટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ.’