સ્ટાર્સ ક્યારેય કોઈ ફાલતુ મૂવમેન્ટ નથી કરતા હોતા

30 May, 2020 11:05 AM IST  |  Mumbai | Rashmin Shah

સ્ટાર્સ ક્યારેય કોઈ ફાલતુ મૂવમેન્ટ નથી કરતા હોતા

બેજન દારૂવાલા

દેશમાં ઍસ્ટ્રોલૉજીને ગ્લૅમર આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે બેજન દારૂવાલા હતા. તેમને લીધે એલિટ ક્લાસ અને સેલિબ્રિટીઓમાં ઍસ્ટ્રોલૉજી પૉપ્યુલર થઈ અને એક વિશેષ પ્રકારના કન્સલ્ટેશનની શરૂઆત થઈ. બેજન દારૂવાલાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં એક વખત કહ્યું હતું, ‘સ્ટાર્સથી ક્યારેય ડરવું ન જોઈએ અને કોઈ સ્ટાર્સ ક્યારેય ફાલતુ મૂવમેન્ટ નથી કરતા. ગ્રહોની મૂવમેન્ટનો બેનિફિટ લેતાં આવડવું જોઈએ, જો એ કરી શકો તો કોઈ સ્ટાર ક્યારેય નડે નહીં.’

આ જ વાત તેમણે સૌકોઈની સાથે રાખી હતી. બેજન દારૂવાલાના અંગત મિત્રોમાં રિશી કપૂરથી લઈને ફિલ્મમેકર સુભાષ ઘઈ સુધીના સૌકોઈનો સમાવેશ થતો હતો. ૧૯૩૧ની ૧૧ જુલાઈએ જન્મેલા બેજન દારૂવાલાએ મુંબઈમાં અઢળક કામ કર્યા પછી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી, પણ એમ છતાં તે મુંબઈથી ક્યારેય દૂર નહોતા રહ્યા અને મુંબઈની સેલિબ્રિટીઓએ પણ તેમને દૂર રહેવા નહોતા દીધા. અનેક ફિલ્મસ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસ તેમના નિયમિત કૉન્ટેક્ટમાં હતાં અને તેમને પૂછ્યા વિના આગળ વધતાં નહોતાં. લોકોની આ માનસિકતાને બેજનસાહેબ ક્યારેય ખરાબ કે ખોટી નહોતા માનતા. બેજન દારૂવાલા કહેતા, ‘ઍસ્ટ્રોલૉજીને પ્રૉપર વેથી સમજવામાં આવે તો નબળા સ્ટાર્સ પણ સારું રિઝલ્ટ આપે અને નબળા સમયમાં પણ પુષ્કળ લાભ થઈ શકે, પણ એને પ્રૉપર વેથી સમજવી પડે.’

ઍસ્ટ્રોલૉજીનો જે વિષય હંમેશાં પબ્લિસિટીથી દૂર રહ્યો હતો એ વિષયને લાઇમલાઇટમાં લઈ આવવાનું કામ બેજન દારૂવાલાએ કર્યું હતું. પોતે પારસી પણ એમ છતાં તે હિન્દુ ધર્મ અને ગણેશમાં અખૂટ આસ્થા ધરાવતા હતા. તે કહેતા પણ ખરા કે હું કોઈ પ્ર‌િડિક્શન કરતો નથી, આ તો ગણેશ કહે છે. આ જ કારણે તેમણે પોતાની વેબસાઇટનું નામ પણ ‘ગણેશા સ્પીક્સ’ રાખ્યું હતું.

બેજન દારૂવાલા માત્ર પરંપરાગત જ્યોતિષશાસ્ત્રને જ કેન્દ્રમાં રાખવાને બદલે જ્યોતિષશાસ્ત્ર માટે જાણીતી એવી અન્ય પદ્ધતિ જેવી કે આઇ-ચિંગ, ટૅરો-રીડિંગ, કબાલાહ અને હસ્તરેખાને પોતાના પ્રિડિક્શનમાં જોડીને પ્રિડિક્શન કરતા. પોતાના આ પ્રિડિક્શનની ટેક્નિક વિશે સમજાવતાં બેજન દારૂવાલા કહેતા, ‘સ્ટાર્સની ક્યારેય કોઈ સીધી અસર ન થાય. સ્ટાર્સ જોવા માટે સૌથી પહેલાં હું વ્યક્તિને જોઉં ત્યારે મને જે વાઇબ્રેશન્સ આવે છે એને નોટિસ કરું છું, એ પછી એ વ્યક્તિ કયા સમયે અને કેવા સંજોગોમાં આવ્યો છે એ વાતનું ગણિત કરવાનું, ત્રીજા નંબરે દિવસ સારો છે, ખરાબ છે કે પછી મધ્યમ સ્તરનો છે એ મહત્ત્વનું બને, ચોથા નંબરે હસ્તરેખા આવે અને પાંચમા નંબરે ઇન્ડિયન હૉરોસ્કોપ અને એ પછી વેસ્ટર્ન હૉરોસ્કોપ જોવાના અને પછી બધું મગજમાં રાખીને ગણેશ સામે જોઈ હું પ્રિડિક્શન કરું.’

તેઓ ગણેશજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા

બેજન દારૂવાલાએ કરેલાં અનેક પ્રિડિક્શને ઇતિહાસ રચ્યો હતો. મોરારજી દેસાઈ અને અટલ બિહારીજી વડા પ્રધાન બનશે એની જાહેરાત તેમણે એ ઇલેક્શનના નેવું દિવસ પહેલાં કરી હતી તો નરેન્દ્ર મોદી માટે પણ તેમણે સચોટ આગાહી કરી હતી. સંજય ગાંધીના હેલિકૉપ્ટર ક્રૅશનું પણ તેમણે પહેલેથી ભાવિ ભાખી લીધું હતું, જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા વિશે તો તેમણે નામ સાથે આગાહી કરી હતી. આ ઉપરાંત ૨૦૦૧માં ગુજરાતમાં

આવેલા ધરતીકંપ વિશે પણ ચાર મહિના પહેલાં જ કહી દીધું હતું. ૨૦૧૯ના લોકસભા ઇલેક્શન માટે પણ તેમણે પહેલેથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને બીજેપી દેશ આખાની પાર્ટીઓની બોલતી બંધ કરી દેશે.

બે વર્ષ પહેલાં મોદી માટે બેજન દારૂવાલાએ શું કહ્યું હતું?

સ્ટાર્સનો ઍડ્વાન્ટેજ લેવાનું કામ નરેન્દ્ર મોદી બહુ સારી રીતે કરી શક્યા છે.

નરેન્દ્ર મોદીના સ્ટાર્સનો અભ્યાસ અનેક લોકોએ કર્યો હશે, પણ મારું માનવું છે કે આવતાં પાંચથી સાત વર્ષ આ નેતા માટે સુપર્બ છે. તેમની કરીઅરનો ગ્રાફ ઉપર-નીચે થશે, ઉતારચડાવ પણ આવે એવું બનશે; પણ એ બધાથી સરવાળે તો તેમને બેનિફિટ જ થવાનો છે. તેમણે બ્લૅક મની પાછા લઈ આવવાની ઝુંબેશ ચલાવી, પણ નથી દેખાતું કે એ કંઈ પાછું આવે કે પછી રિઝલ્ટ આવે. એવું જ તેમના સ્વચ્છતા અભિયાનનું છે. સ્વચ્છતા અભિયાનથી કોઈ મોટો ચેન્જ આવી જાય એવી શક્યતા સ્ટારની દૃષ્ટિએ નથી દેખાતી, પણ અંગતપણે મારું માનવું છે કે તેમણે જે આ ઝુંબેશ શરૂ કરી છે એનાથી લોકોની માનસિકતામાં ચોક્કસપણે ફરક પડશે અને લોકો આ બધી બાબતમાં પૉઝિટિવ થશે એ હકીકત છે અને આવી બાબતોમાં હકારાત્મકતા જરૂરી હોય છે. બ્લૅક મનીની ઝુંબેશને પણ હું સ્ટાર્સના દૃષ્ટિકોણથી બહુ મહત્ત્વની નથી ગણતો, પણ એ જ વાતને એક કૉમનમૅન તરીકે જોઉં ત્યારે એટલો વિચાર આવે કે બ્લૅક મનીનો જે પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે એના વચ્ચે હવે કોઈ પોતાના નવા બ્લૅક મનીને ફૉરેનની બૅન્કમાં મૂકવાનો વિચાર નહીં કરે પણ એવું કરવાને બદલે સ્માર્ટ્લી એ પૈસાનો ટૅક્સ ભરીને એ પૈસા દેશમાં રાખશે, જે આમ જોઈએ તો ઇનડિરેક્ટ્લી તો નરેન્દ્ર મોદીની સક્સેસ જ કહેવાય.

નરેન્દ્ર મોદી દેશના નેતા તરીકે સ્ટાર્સની દૃષ્ટિએ પણ એકદમ ઉચિત છે તો એક વ્યક્તિ તરીકે પણ અત્યારના સમયના શ્રેષ્ઠ નેતા છે એવું કહી શકાય. ભારત તરફથી તેમનું પ્રતિનિધ‌િત્વ દેશને બહુ મોટો ફાયદો અપાવી શકે એમ છે અને એની અસર આપણને સૌને ૨૦૨૦થી જોવા મળશે. ઇન્ડિયા ટેક્નૉલૉજીની બાબતમાં પણ સ્ટ્રૉન્ગ બને એવું સ્ટાર્સ કહે છે તો પ્રૅક્ટિકલ રીતે પણ એ વાત એટલા માટે સાચી છે કે આજે ઇન્ડિયામાં યંગસ્ટર્સનું પૉપ્યુલેશન મોટું થઈ ગયું છે અને એ જનરેશન આઉટ ઍન્ડ આઉટ ટેક્નૉસૅવી બનતી જાય છે, જેનો લાભ દેશને મળવાનો છે.

gujarat news astrology Rashmin Shah