ભારત આયુષ વિઝા કૅટેગરી શરૂ કરશે : નરેન્દ્ર મોદી

21 April, 2022 07:05 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટનો વડા પ્રધાને પ્રારંભ કરાવ્યો

ફાઇલ તસવીર

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટનો ગઈ કાલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે વિદેશી નાગરિક ભારતમાં આવીને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માગે છે તેમના માટે સરકાર એક વધુ પહેલ કરી રહી છે. જલદીથી ભારત એક વિશેષ આયુષ વિઝા કૅટેગરી શરૂ કરવા જઈ રહી છે.

મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિન્દ જુગનાથ, ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અૅન્ડ ઇનોવેશન સમિટનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે આજે ભારત મેડિકલ ટુરિઝમ માટે દુનિયાના કેટલાય દેશો માટે આકર્ષણનું ડેસ્ટિનેશન બન્યું છે તે વાતને ધ્યાનમાં રાખીને વિદેશી નાગરિકો માટે શરૂ કરવામાં આવનાર આયુષ વિઝા કૅટેગરીથી લોકોના આયુષ ચિકિત્સા માટે ભારત આવવા-જવામાં સરળતા રહેશે.

નરેન્દ્ર મોદીએ ડૉ. ટેડ્રોસનું નવું ગુજરાતી નામ પાડ્યું તુલસીભાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસનું નવું ગુજરાતી નામ તુલસીભાઈ પાડ્યું હતું. નરેન્દ્ર મોદી સમિટમાં જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે એમ કહ્યું હતું કે આજે એક ખુશીની ખબર આપવી છે. ડૉ. ટેડ્રસ મારા મિત્ર છે. તેમણે આજે સવારે મને કહ્યું હતું કે હું પાકો ગુજરાતી થઈ ગયો છું. મારું નામ ગુજરાતી રાખી લો. મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ પરથી મારા મિત્રને ગુજરાતીના નાતે તુલસીભાઈ કહીને બોલાવવામાં વિશેષ આનંદ થશે. ડૉ. ટેડ્રોસ પણ ખુશ થઈ ગયા હતા. 

gujarat gujarat news gandhinagar shailesh nayak