વડાપ્રધાન મોદી ટિપ્પણી મામલે આસામની કોર્ટે જીગ્નેશ મેવાણીને જામીન કર્યા મંજૂર, જાણો વધુ

25 April, 2022 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરવાના મામલે આસામમાંથી ધરપકડ કરાયેલા ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા છે.

જીગ્નેશ મેવાણી (તસવીર: PTI)

આસામ: આસામની કોકરાઝાર કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરવાના મામલે આસામમાંથી ધરપકડ કરાયેલા ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા છે. તેને એક દિવસ પહેલા જ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આસામ પોલીસે મેવાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, મેવાણીને રોડ માર્ગે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને ટ્રેન દ્વારા આસામના ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લાવવામાં આવ્યા હતા. તેઓ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે પોતાના ટ્વિટમાં દાવો કર્યો છે કે, "ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ."


ઉપરોક્ત ટ્વીટના સંદર્ભમાં મેવાણી સામે IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 153 (A) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (A) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

gujarat news gujarat Gujarat Congress