અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપને પડકારી, કહ્યું – હું તમને હરાવીશ

01 May, 2022 08:16 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

કેજરીવાલે કહ્યું કે “ગુજરાતમાં પરીક્ષાઓ દરમિયાન પેપર લીક થઈ રહ્યા છે. રાજ્ય આ બાબતોમાં વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યું છે.”

ફાઇલ તસવીર

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતમાં પરિવર્તનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે જે ગવર્નન્સ મોડલ રજૂ કર્યું છે તે પંજાબમાં ખૂબ જ સફળ રહ્યું છે. ગુજરાતના ભરૂચમાં દિલ્હીની શાળાઓનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે “ગુજરાતની શાળાઓમાં હાલત ખરેખર ખરાબ છે. ગુજરાતમાં 6,000 સરકારી શાળાઓ છે, જે બંધ કરવામાં આવી છે. અન્ય ઘની શાળાઓ જર્જરિત હાલતમાં છે. લાખો બાળકોનું ભવિષ્ય ખોરવાઈ ગયું છે. આપણે આ ભવિષ્ય બદલી શકીએ છીએ, જે રીતે અમે દિલ્હીમાં શાળા બદલી છે.”

કેજરીવાલે કહ્યું કે “ગુજરાતમાં પરીક્ષાઓ દરમિયાન પેપર લીક થઈ રહ્યા છે. રાજ્ય આ બાબતોમાં વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યું છે.” ગુજરાતના સીએમને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે “હું ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પેપર લીક થયા વિના એક પણ પરીક્ષા લેવાનો પડકાર ફેંકું છું.” કેજરીવાલે કહ્યું કે “તમે મને એક તક આપો, જો હું શાળાઓને સુધારી ન શકું તો તમે મને ઉથલાવી દેજો.”

કેજરીવાલે દાવો કર્યો હતો કે દિલ્હીમાં 4 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી દિલ્હી સરકાર સંચાલિત શાળાઓમાં શિફ્ટ થયા છે. તેમણે કહ્યું કે “દિલ્હીમાં, અમીર અને ગરીબ બાળકો સાથે અભ્યાસ કરે છે. આ વખતે દિલ્હીમાં પાસ થવાની ટકાવારી 99.7% હતી.” કેજરીવાલે કહ્યું કે “ભાજપના લોકો વોટ્સએપ દ્વારા એવો મેસેજ ફેરવી રહ્યા છે કે કેજરીવાલની સરકારી શાળાઓ ખરાબ છે. હું ગુજરાતના મુખ્યપ્રધાનને આમંત્રણ આપું છું, આવો અમારી શાળાઓ અને હોસ્પિટલો જુઓ. આવી ટીકા ન કરો.

નોંધપાત્ર વાત એ છે કે દિલ્હીની બહાર પ્રથમ સફળતા બાદ કેજરીવાલ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં પોતાની છાપ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યની 27 આદિવાસી બહુલ બેઠકોમાંથી 15 બેઠકો જીતી હતી. ગયા મહિને AAPએ દાવો કર્યો હતો કે તેના આંતરિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પાર્ટી આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં લગભગ 58 બેઠકો જીતી શકે છે.

આજની રેલીમાં કેજરીવાલે કહ્યું કે “ગુજરાતમાં 1 કરોડથી વધુ આદિવાસીઓ વસે છે, દેશના બે સૌથી અમીર માણસો અને સૌથી ગરીબ આદિવાસી બંને એક જ રાજ્યમાંથી આવે છે. તેમણે કહ્યું કે એક તરફ ભાજપ અને કોંગ્રેસ અમીરોની સાથે ઊભા છે અને તેમને અમીર બનાવી રહ્યા છે, પરંતુ હું અહીં તમને બધાને કહેવા માટે આવ્યો છું કે હું ગરીબોની સાથે છું.”

gujarat gujarat news aam aadmi party bharatiya janata party arvind kejriwal bhupendra patel