હવે અંબાજીની જેમ પાવાગઢ ગબ્બરની પરિક્રમા કરી શકાશે

19 June, 2022 09:57 AM IST  |  Vadodara | Shailesh Nayak

યાત્રીઓ પાવાગઢમાં રાત્રિરોકાણ કરી શકે એ માટે ઊભી કરાશે વ્યવસ્થા તથા સેેંકડો ભક્તો એકસાથે જમી શકે એવું અન્નક્ષેત્ર પણ ઊભું કરાશે

પાવાગઢ (ફાઇલ તસવીર)

ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર ગઈ કાલે શ્રી કાલીકા માતાજીના નવનિર્મિત મંદિરના શિખર પર પાંચ શતાબ્દી બાદ માડીની લાલ ધજા લહેરાઈ છે. હવે અંબાજીની જેમ પાવાગઢ ગબ્બરની પણ પરિક્રમા કરી શકાય એ રીતની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરવાનું આયોજન હાથ ધરાયું છે. એટલું જ નહીં, પરંતુ દૂધિયા તળાવ પાસે ૫૦૦ માઈભક્તો એકસાથે બેસી જમી શકે એવું અન્નક્ષેત્ર બનશે અને યાત્રીઓ પાવાગઢમાં રાત્રિરોકાણ કરી શકે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પાવાગઢના ડુંગર પર શ્રી કાલીકા માતાજીની પૂજાઅર્ચના અને આરતી કરી, દર્શન કરીને માતાજીના આશીર્વાદ લઈને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચારની વચ્ચે મંદિર પર ધજારોહણ કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન સહિતના મહાનુભાવોને આવકારતાં અને યાત્રાધામના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢના અધ્યક્ષ સુરેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘દૂધિયા તળાવ પાસે ૫૦૦ લોકો જમી શકે એવું અન્નક્ષેત્ર બનાવવામાં આવશે અને એની ઉપર યાત્રીઓ રાત્રિરોકાણ કરી શકે એની વ્યવસ્થા કરવાની છે. એનું કામ શરૂ થઈ રહ્યું છે. આ ડુંગર નીચે પરિક્રમા થઈ જાય એવો પરિક્રમા રૂટ તૈયાર કરી રહ્યા છીએ.

૫૦૦ પગથિયાં છે એટલે ઘણાને તકલીફ થાય છે એટલા માટે મંદિરે જવા માટે છાસિયા તળાવથી ઉપર સીધું પરિસરમાં અવાય એ પ્રમાણે બે વિશિષ્ટ પૅસેન્જર લિફ્ટનું આયોજન છે, જે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. આ ઉપરાંત બીજા રોપવેનું આયોજન છે. યાત્રીઓને તકલીફ પડી રહી હતી, જેથી આ તકલીફ દૂર કરવા પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.’

પાવાગઢ ડુંગર પર નવનિર્મિત મંદિરના શિખર પર ધજારોહણ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાન પૂર્ણેશ મોદી, ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, વિધાનસભ્યો, સાધુ-સંતો સ‌હિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

gujarat gujarat news vadodara shailesh nayak