આર્સેલરમિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા ગુજરાતમાં આટલા કરોડ રૂપિયાનું કરશે રોકાણ

28 January, 2022 10:28 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયાં એમ.ઓ.યુ.

આર્સેલરમિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકાર સાથે ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. કર્યાં હતાં.

આર્સેલરમિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે ગુજરાતમાં વિવિધ છ પ્રોજેક્ટમાં ૧ લાખ ૬૬ હજાર કરોડનાં સૂચિત રોકાણોનાં મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (એમઓયુ) ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગઈ કાલે કર્યાં હતાં.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ સાથે  થયેલા આ એમઓયુ પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલરમિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના સીઈઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.
આર્સેલરમિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ હઝીરા ખાતેની હયાત કૅપ્ટિવ જેટીના એક્સપાન્શન અને મૉડર્નાઇઝેશન માટે, સ્ટીલ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કૅપ્ટિવ પોર્ટ કૅપેસિટી સાથેના એક્સપાન્શન કરવા તેમ જ કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર માટે રોકાણ કરશે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ સ્થળોએ કુલ ૧૦ ગીગાવૉટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. આ પ્લાન્ટ્સ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે ૨૨૦૦ મેગાવૉટના પ્લાન્ટ માટે પણ આ એમઓયુ થયાં છે. આ બધા પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે ૧ લાખ ૮૦ હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર પ્રાપ્ત થશે.

gujarat news gujarat shailesh nayak