સપનાંના વેપાર કરનારાઓને ગુજરાતમાં સફળતા ન મળે

14 September, 2022 09:49 AM IST  |  Mumbai | Shailesh Nayak

અમિત શાહે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેમને ટાર્ગેટ કર્યા

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલી રીતે સંબોધન કરીને ભૂપેન્દ્ર પટેલની સરકારને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રધાનમંડળના જિતુ વાઘાણી અને હર્ષ સંઘવી તેમ જ અધિકારીઓ.


અમદાવાદ ઃ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગઈ કાલે યોજાયેલા વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી રીતે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં બે તૃતીયાંશ બહુમતી સાથે બીજેપીની સરકાર બનવાની છે. તેઓએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂરું થતાં અભિનંદન આપ્યા હતા. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર ગર્ભીત રીતે કહ્યું હતું કે સપનાંના વેપાર કરનારાઓને સફળતા ગુજરાતમાં ન મળે. ગુજરાતીઓ તો માણસને ઓળખે.
અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી વિકાસનાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને કહ્યું હતું કે ‘ગુજરાત આજે શાંત છે, સમૃદ્ધિના રસ્તા પર ચાલ્યું છે અને આવડી મોટી દરિયાઈ અને જમીની સરહદ હોવા છતાં એક પણ આતંકવાદી ઘટના આ એક વર્ષમાં નથી થઈ એ બહુ મોટી સિદ્ધિ છે. ગુજરાતે ભારત સરકારનું નાર્કોટિસ સામે અભિયાન છે એને ખૂબ મજબૂતી આપી છે. સમગ્ર દેશમાં એક વર્ષની અંદર જો કોઈ રાજ્યએ સૌથી વધારે નશાનો કારોબાર રોક્યો હોય, નશાનો માલસામાન પકડ્યો હોય તો એ ગુજરાત છે. એટલા માટે હું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ બન્નેને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. એક વર્ષ ભૂપેન્દ્રભાઈનું પૂરું થાય છે ત્યારે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. ભૂપેન્દ્રભાઈ, ગુજરાતની જનતા બીજેપી સાથે છે. મોદીજીના નેતૃત્વમાં, તમારા નેતૃત્વમાં નિશ્ચિતરૂપે ફરી એક વાર ગુજરાતમાં બે તૃતીયાંશ બહુમતી સાથે બીજેપીની સરકાર બનવાની છે, હું સ્પષ્ટ જોઈ રહ્યો છું બીજેપીનો વિજય નિશ્ચિત છે.’
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર અમિત શાહે કહ્યું હતું કે ‘હું ગુજરાતીઓને જાણું છું. સપનાંના વેપાર કરનારાઓને સફળતા ગુજરાતમાં ન મળે. ગુજરાતીઓ માણસને ઓળખે, કામને ઓળખે અને માણસ અને કામને ઓળખે એ બીજેપીની સાથે રહે. બીજેપીનો વિજય નિશ્ચિત છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારને ગઈ કાલે એક વર્ષ પૂરું થતાં અમિત શાહે તેઓને અભિનંદન આપીને કહ્યું હતું કે ‘આવનારા ઇલેક્શનમાં પ્રચંડ બહુમતી સાથે તમારા નેતૃત્વમાં ફરી એક વાર બીજેપીની સરકાર બને એવી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.’
આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, વિધાનસભ્યો, અધિકારીઓ તેમ જ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

gujarat news ahmedabad amit shah