ત્રીજી લહેરનાં એંધાણ છતાં થશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ

28 December, 2021 08:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે...

તસવીર સૌજન્ય : વાઇબ્રન્ટ ગુજરાતની ઓફિશ્યલ વેબસાઇટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમાઇક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે એવા સંજોગોમાં ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગઈ કાલે એક તરફ એમ કહ્યું હતું કે ત્રીજી લહેરનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે અને બીજી તરફ એમ પણ કહ્યું હતું કે  એસ.ઓ.પી. સાથે વાઇબ્રન્ટ ગુજરાત થશે. 
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સરકાર બેસી નથી રહી. હૉસ્પિટલોમાં બેડની સંખ્યા, ઑક્સિજન, વૅન્ટિલેટર બેડ, દવાઓની સુનિશ્ચિતતા આ બધુ તૈયાર કરીને રાખ્યું છે.’ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત કરવું કેટલું યોગ્ય એવા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘વાઇબ્રન્ટ ગુજરાત વર્ષોથી યોજાતી દર બે વર્ષે આ એક ઇવેન્ટ છે અને એમાં ગુજરાતને ખૂબ મોટો આર્થિક લાભ થતો હોય છે. આ વખતની પરિસ્થિતિ થોડી જુદી બધાને લાગી રહી છે, પરંતુ હું આપને એસ્યોર કરવા માગું છું કે વાઇબ્રન્ટ પણ કોરોનાની ગાઇડલાઇન અને એસ.ઓ.પી.ના પાલન સાથે થશે. તમે જે માનો છો કે દર વખત જેવું મેળા જેવું વાતાવરણ નહીં હોય, પરંતુ જેને ધંધા-ઉદ્યોગ-રોજગાર કરવો હોય એવા લોકોને આમંત્રિત કરી અને કોરોનાના સંક્રમણમાં આવનારા મહેમાનોને પણ કોઈ તકલીફ ન પડે.’

gujarat gujarat news Omicron Variant coronavirus covid19