અલ્પેશ ઠાકોર હજીય કોંગ્રેસના સભ્ય છે ? HCમાં કહ્યું રાજીનામું નથી આપ્યુ

27 June, 2019 02:47 PM IST  |  અમદાવાદ

અલ્પેશ ઠાકોર હજીય કોંગ્રેસના સભ્ય છે ? HCમાં કહ્યું રાજીનામું નથી આપ્યુ

File Photo

અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલે છે, ત્યાં ખુદ અલ્પેશે હાઈકોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું જ નથી આપ્યું. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયગ ઠેરવવાની કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ સુનાવણીમાં અલ્પેશ ઠાકોર પણ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. અને પોતાનો પક્ષ રજૂ કરતા સોગંદનામું કર્યું હતું. આ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ ન હતું.

ઉલ્લેખનયી છે કે અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. અને રાધનપુર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જે બાદ અવારનવાર અલ્પેશ ઠાકોરે પક્ષમાં તેમની અવગણના થતી હોવાની વાત કરી હતી. અને આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વિગતો પણ સામે આવી હતી. જો કે હવે હાઈકોર્ટમાં ખુદ અલ્પેશ ઠાકોરે પોતે રાજીનામું આપ્યું ન હોવાનું સોગંદનામું કરતા મામલો ગૂંચવાયો છે. અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલ બાદ કોંગ્રેસે તેનું ધારાસભ્ય પદ પણ રદ કરવાની માગ કરી હતી. સ્પીકરે આ માગ ન સ્વીકારતા કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અલ્પેશના દાવાથી હવે આ મામલે નવો જ વળાંક આવ્યો છે. જો અલ્પેશે રાજીનામુ નથી આપ્યું તો પછી તે સ્વીકારાયું કેવી રીતે તે પણ એક સવાલ છે. તો અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર મૂકેલો રાજીનામાનો પત્ર પણ વાઈરલ થઈ રહ્યો છે. જો કે સૂત્રો દ્વારા મલતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું ગણી શકાય નહીં અને તેના આધારે અલ્પેશ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીં પણ થઇ શકે નહીં એમ કોર્ટે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ પેટા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતાઓ

એ વાત પણ નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામાની વાત જ્યારે વહેતી થઇ હતી. ત્યારે અલ્પેશ ઠાકોર અનેક વિવાદોમાં પણ હતા. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઇ રહ્યા હોય એવા સમાચારો પણ વહેતા થયા હતા. જોકે, આજે અલ્પેશ ઠાકોરના સોગંદનામાથી પ્રવર્તમાન ચર્ચાઓનો અંત આવ્યો છે.

 

gujarat ahmedabad news Alpesh Thakor Gujarat Congress Gujarat BJP