અમદાવાદની સેન્ટ મેરી સ્કૂલનો નિયમ,વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં

05 July, 2019 03:19 PM IST  |  અમદાવાદ

અમદાવાદની સેન્ટ મેરી સ્કૂલનો નિયમ,વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં

રાજ્યમાં હેલમેટ વગર વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકાયે લાંબો સમય થઈ ચૂક્યો છે. મોટા ભાગના વાહનચાલકો આ નિયમનું પાલન પણ કરે છે. એમાંય અમદાવાદમાં તો ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ ચલાવ્યા બાદ પરિસ્થિતિ ખાસ્સી બદલાઈ છે. CCTV કેમેરા અન ઈ મેમોને કારણે હવે લોકો ટ્રાફિકના નિયમો પાળતા થયા છે. જો કે હજી પણ કેટલાક વાહનચાલકો એવા છે, જે નિયમનો ભંગ કરે છે. અને બચવાના ઉપાય પણ શોધી લે છે.

પ્રવેશ પર પ્રતિબંધ

ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સાથે હેલમેટ નથી રાખતા. શાળાએ જતા 16 વર્ષથી વધુની ઉંમરના સગીરોને ગિયરલેસ વાહન ચલાવવાનું લાયસન્સ મળે છે. પરિણામે વિદ્યાર્થીઓ સ્કૂલે પણ ગિયરલેસ વ્હિકલ લઈને જતા હોય છે. જો કે આ વિદ્યાર્થીઓ હેલમેટ નથી પહેરતા, પરિણામે તેમનો જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે અમદાવાદમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલે આ મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. ગોતામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં હેલમેટ વગર વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.


નો હેલ્મેટ, નો એન્ટ્રી

અમદાવાદની સેન્ટ મેરી સ્કૂલના ગેટ પર એક બેનર લગાવવામાં આવ્યું છે. જેમાં લખાયું છે કે,'નો હેલ્મેટ... નો એન્ટ્રી... હેલમેટ પહેરવું ફરજિયાત કરીએ. જે વિદ્યાર્થીઓ હેલમેટ પહેર્યા વગર આવશે તેમને શાળાના પાર્કિંગમાં વાહન પાર્ક કરવાની પરવાનગી નહીં મળે.' આ બેનરની નીચે મેનેજમેન્ટનું નામ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ હરેન પંડ્યા હત્યા કેસ : સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી

અમદાવાદમાં સુધરી ટ્રાફિકની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ ફરજિયાત હેલમેટ પહેરીને વ્હિકલ ચલાવે તે માટે આ નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી અમદવાદમાં ટ્રાફિકની પરિસ્થિતિ સુધરી રહી છે. છ મહિના પહેલા અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ ચલાવીને ગેરકાયદે પાર્કિંગ બંધ કરાવ્યા. જે બાદ સીસીટીવીને કારણે ટ્રાફિકના નિયમભંગની ઘટનાઓ બની છે. તો શહેરીજનો પણ હવે સમજીને જ ધ્યાન રાખતા થયા છે.

gujarat ahmedabad news