ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે

11 May, 2021 02:12 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નાગરિકોની સતર્કતા તથા રસીકરણ જાગૃતિ કારણરૂપ : કોવિડ-ટેસ્ટિંગ અને આંશિક લૉકડાઉન પણ મદદરૂપ થયું

ગઈ કાલે અમદાવાદમાં ડ્રાઇવ-થ્રુ વૅક્સિનેશન અભિયાન દરમ્યાન મહિલાને કોવિડ-વૅક્સિનનો ડોઝ આપી રહેલાં હેલ્થ વર્કર. પી.ટી.આઇ.

ગુજરાતમાં ઘાતક બની રહેલી કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી હોવાનું જણાઈ રહ્યું છે. છેલ્લા દસેક દિવસથી ગુજરાતમાં કોરોનાના રોજેરોજ નોંધાતા કુલ કેસ સતત ઘટતા જઈ રહ્યા છે. એટલે લાગી રહ્યું છે કે કોરોના ગુજરાતમાં કેર વર્તાવ્યા બાદ હવે કન્ટ્રોલમાં આવી રહ્યો છે અને કોરોનાના વળતાં પાણી શરૂ થયા છે.

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો તેવું કહી શકાય તે રીતે કોરોના ગુજરાત માટે જાણે કે ઘાતક બની રહ્યો હતો. ૨૪ એપ્રિલથી કોરોનાના કેસની રોજની સંખ્યા ૧૪,૦૦૦ને પાર પહોંચી હતી. જોકે ૧ મેથી ગુજરાતમાં કોરોનાના જાણે કે વળતાં પાણી થયાં હોય તેમ કેસની સંખ્યા ઘટવા માંડી છે. ૧૦ મેના રોજ (ગઈ કાલે) કેસ ઘટીને ૧૧,૫૯૨ થયા હતા. મે મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં કોરોનાના રોજેરોજના કેસ ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. હવે અમદાવાદ અને સુરતમાં પણ રોજના કેસ ઘટતા જઈ રહ્યા છે.

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસના કારણે નાગરિકો કોરોના સામે સતર્ક બન્યા, ઘરમાં બેસી રહ્યા, કામ વગર બહાર નીકળવાનું લગભગ ટાળ્યું, કોરોના સામે અવેરનેસ આવી, રસીકરણ અંગે નાગરિકોમાં જાગૃતિ આવી, ગુજરાત સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ, ટેસ્ટિંગ થયાં અને આંશિક લૉકડાઉન પણ કંઈક અંશે મદદરૂપ થઈ પડ્યું છે.

gujarat ahmedabad coronavirus covid19 covid vaccine