અમદાવાદમાં સ્પર્શ મહોત્સવમાં ૨૫૦ પાંજરાપોળોને અપાયું પાંચ કરોડનું દાન

20 January, 2023 12:00 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ મહોત્સવમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પદ્‍‍મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ લેવા આવ્યા હતા

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પદ્‍‍મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના આશીર્વાદ લીધા હતા.

અમદાવાદ : પદ્‍‍મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે લખેલા ૪૦૦મા પુસ્તકના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનમાં ચાલી રહેલા સ્પર્શ મહોત્સવમાં ગઈ કાલે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશભરની ૨૫૦ જેટલી પાંજરાપોળોને અબોલ જીવોને નિભાવવા માટે ટેકો મળી રહે એ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન આપીને જીવદયાનું સ્તુત્ય કાર્ય કર્યું હતું.

સ્પર્શ મહોત્સવમાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા અને પદ્‍‍મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો : Surat: 9 વર્ષની હીરા વેપારીની દીકરી બની સંન્યાસી, 35 હજાર લોકો સામે લીધી દીક્ષા

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને એ માટે મહારાજસાહેબનાં પુસ્તકો ઉપયોગી બનશે.’

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘આવા મહોત્સવમાં પ્રાચીન પરંપરા અને આધુનિક ટેક્નૉલૉજીના સમન્વયથી સમાજને સંસ્કારીત કરવાનું કામ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત પાંચ ટ્રિલ્યનની ઇકૉનૉમી બનાવવાનું લક્ષ્ય છે ત્યારે સમાજ અને દેશ નિર્માણ માટે વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી છે, જે સ્પર્શ જેવા મહોત્સવો થકી થાય છે.’

gujarat news ahmedabad nitin gadkari bhupendra patel