21 August, 2025 09:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનો અને તેના સમાજના લોકો તથા અન્ય વાલીઓ સ્કૂલની બહાર ભેગા થઈ ગયા હતા અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું.
નજીવી વાતથી શરૂ થયેલા ઘર્ષણને પગલે આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીનું છરી હુલાવીને મર્ડર કરી નાખ્યું
અમદાવાદમાં આવેલી સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો લાગવા જેવી સામાન્ય બાબતે તકરાર થયા બાદ મંગળવારે સ્કૂલની બહાર સામેની ગલીમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કરતાં સ્કૂલ રક્તરંજિત બની હતી અને લોકોમાં ચકચાર મચી ગઈ હતી. ગઈ કાલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મૃત્યુ થતાં પરિવારજનો અને વાલીઓ સ્કૂલ પર પહોંચી જતાં ધમાલ થઈ હતી. તેમણે સ્કૂલમાં તોડફોડ કરવાની સાથે સ્ટાફને પણ ફટકારતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ-કાફલો સ્કૂલમાં પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે હુમલાખોર વિદ્યાર્થી સહિત બે છોકરાઓની અટકાયત કરી છે અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે.
મંગળવારે થયો હતો જીવલેણ હુમલો
સ્કૂલમાં આઠમા અને દસમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો લાગવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. મંગળવારે આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. એ પછી હુમલો કરનાર વિદ્યાર્થી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈ કાલે તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીના સ્વજનોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી.
સ્કૂલ પર લોકો ઊમટ્યા, તોડફોડ થઈ
હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીનું મૃત્યુ થતાં તેના પરિવારજનો તેમ જ તેના સમાજના લોકો અને અન્ય વાલીઓનાં ટોળાં સ્કૂલ પર પહોંચી ગયાં હતાં. ઉશ્કેરાયેલા લોકોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી અને સ્કૂલના સ્ટાફને પણ માર માર્યો હતો. એને કારણે દોડધામ મચી ગઈ હતી અને વિવાદ વધી ગયો હતો. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ-કાફલો સ્કૂલમાં આવી પહોંચ્યો હતો. પોલીસે લોકોને સ્કૂલમાંથી બહાર કાઢતાં પોલીસ અને ટોળા વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. એ પછી લોકોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. જોકે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
સ્કૂલે પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો
વિદ્યાર્થી પર છરી વડે હુમલો થતાં તે લોહીલુહાણ હાલતમાં સ્કૂલમાં આવીને ફસડાઈ પડ્યો હતો અને ફર્સ પર લોહી ફેલાઈ ગયું હતું જેને સ્કૂલના પ્રશાસને ધોઈ નાખીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે એ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે ‘સ્કૂલે વૉટર-ટૅન્ક બોલાવીને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી છે, પણ અમે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL) બોલાવીને તપાસ કરી પુરાવા એકઠા કરીશું. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે અને આ કેસમાં બે છોકરાઓની અટકાયત કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.’
મેડિકલ સારવાર આપવાની જરૂર હતી એમાં સ્કૂલે કરી ભૂલ
સ્કૂલમાં બનેલી ગંભીર ઘટનાની પ્રાથમિક તપાસ શિક્ષણ વિભાગે હાથ ધરી હતી જેમાં પ્રાથમિક રીતે સ્કૂલની લાપરવાહી અને લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલા વિદ્યાર્થીને મેડિકલ સારવાર આપવામાં સ્કૂલની ભૂલ થઈ હોવાની વિગતો જાણવા મળી છે. અમદાવાદ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ ગઈ કાલે સ્કૂલની મુલાકાત લીધી હતી એ પછી મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ ઘટના બની એની માહિતી સ્કૂલે અમારી ઑફિસને જણાવવી જોઈતી હતી, પણ સ્કૂલે એમાં લાપરવાહી દાખવી એથી સ્કૂલને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માગ્યો છે. ૧૦મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી મૃત્યુ પામેલો જાહેર થયો ત્યારે એ ઘટનાની તપાસ માટે અમે સ્કૂલમાં આવ્યા છીએ. પ્રાથમિક અહેવાલમાં જણાય છે કે ક્યાંક લાપરવાહી દેખાડાઈ છે. સ્કૂલ દ્વારા, સ્કૂલના સ્ટાફ દ્વારા ડરના માર્યા અથવા તો કોઈ પણ પ્રકારે તેમણે જ્યારે ઘટના બની ત્યારે તાત્કાલિક મેડિકલ સારવાર આપવાની જરૂર હતી એમાં ભૂલ થઈ છે. સલામતીનું પગલુ લેવામાં ચોક્કસ ભૂલ થઈ છે. આને ધ્યાનમાં લઈને હેઠડ ઑફિસને પ્રાથમિક અહેવાલનો રિપોર્ટ મોકલી આપીશું.’
ઘટનાક્રમ
મંગળવારે સ્કૂલની બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો.
ગઈ કાલે સવારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું.
વિદ્યાર્થીનું અવસાન થતાં સવારે સ્કૂલમાં પરિવારજનો અને અન્ય લોકો એકઠા થયા.
સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી.
એકઠા થયેલા ટોળાએ સ્કૂલમાં તોડફોડ કરવાની સાથોસાથ સ્કૂલ-સ્ટાફની મારઝૂડ કરી.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્કૂલમાં દોડી આવી.
રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો.
પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.
બેકાબૂ થતી જતી પરિસ્થિતિને લઈને પોલીસે સમજાવટથી કામ લઈને મામલો થાળે પાડ્યો.
ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીની ટીમે સ્કૂલમાં આવીને સૅમ્પલ એકત્ર કર્યાં.
વિદ્યાર્થીની સ્મશાનયાત્રામાં ૨૦૦૦થી વધુ લોકો જોડાયા.