હવે ગુજરાતમાં પાટીદાર સમાજનો સીએમ હોવો જોઈએ : નરેશ પટેલ

13 June, 2021 01:58 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ખોડલધામમાં મળેલી જુદી-જુદી પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠકમાં લેવાયો નિર્ણય : કયો સમાજ ના ઇચ્છે એના સમાજનો મુખ્ય પ્રધાન બને, ૧૦૦ ટકા અમે પણ ઇચ્છીએ કે પાટીદાર મુખ્ય પ્રધાન બને : નરેશ પટેલ

કાગડવ ખોડલધામ ખાતે ગઈ કાલે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી.

પાટીદાર સમાજે એક સંપ થઈને સામાજિક ક્ષેત્રે આવકારદાયક પહેલ કરી છે. ગઈ કાલે કાગવડસ્થિત ખોડલધામમાં મળેલી જુદી-જુદી પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે ગુજરાતમાં હવે લેઉવા કે કડવા નહીં, પણ પાટીદાર સમાજ લખાશે. એટલું જ નહીં, પાટીદાર આગેવાન નરેશ પટેલે પાટીદાર સમાજની વ્યક્તિ મુખ્ય પ્રધાન બને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. 

સૌરાષ્ટ્રના કાગવડસ્થિત પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમા ખોડલધામમાં ગઈ કાલે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. લેઉવા–કડવા બંધ થાય અને પાટીદાર સમાજ એવું આજથી શરૂ થાય એવો નિર્ણય લીધો છે. હવે પછી મીટિંગ લેવાશે એમાં લેઉવા કે કડવા પાટીદાર એવું નહીં લખાય, ફકત પાટીદારની મીટિંગ લખાશે. આ ઉપરાંત જુદી-જુદી શિક્ષણ સંસ્થાઓ અને આરોગ્ય સંસ્થાઓમાં ડેવપલમેન્ટ અને હાલના પ્રશ્નોની ચર્ચા-વિચારણા થઈ હતી અને બધી સંસ્થાઓ ભેગી મળીને એકબીજાને મદદરૂપ થાય એની ચર્ચા થઈ હતી.’

આ બેઠક પહેલાં એક પ્રશ્નના ઉત્તરમાં નરેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘કયો સમાજ ના ઇચ્છે કે તેના સમાજનો મુખ્ય પ્રધાન ના હોઈ શકે, ૧૦૦ ટકા અમે ઇચ્છીએ કે પાટીદાર મુખ્ય પ્રધાન હોય. કોઈ પણ સમાજના લોકો હોય તો તે હંમેશાં એવું ઇચ્છે કે તેના સમાજનો મુખ્ય પ્રધાન બને. સ્વાભાવિક છે કે પાટીદાર લોકો પણ ઇચ્છે કે પાટીદાર મુખ્ય પ્રધાન બને.’

જોકે તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કેશુબાપા પછી અમને બધાને એવું થાય કે કેશુબાપા જેવા હજી અમને આગેવાન નથી મળી શક્યા.’

તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘જે અધિકાર છે પાટીદાર સમાજનો એ ૧૦૦ ટકા સરકારને રજૂ કરીશું અને જે અધિકાર અમારો બને છે એટલી માગણી કરીશું.’

ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બેઠકમાં સમસ્ત પાટીદાર સમાજ-સુરત, ઉમિયા સંસ્થાન-ઊંઝા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ સહિતની પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સમરસતા અને સમાજ ઉત્થાન માટેની ચર્ચા થઈ હતી. બધા આગેવાનોએ એકઠા થઈને માતાજીનાં દર્શન કર્યાં 
હતાં, આરતી ઉતારી હતી અને ધજા ચડાવી હતી.’

આવતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બેનિફિટ થશે : નરેશ પટેલ
અમદાવાદ : આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે આમ આદમી પાર્ટીની સરાહના કરીને કહ્યું હતું કે ‘મને લાગે છે કે આવતી ચૂંટણીમાં કદાચ આપને બેનિફિટ થશે.’
અરવિંદ કેજરીવાલ એક દિવસના ગુજરાત પ્રવાસે ૧૪ જૂને અમદાવાદ આવી રહ્યા છે ત્યારે નરેશ પટેલે કહ્યું હતું કે ઇતિહાસ એમ કહે છે કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી, પણ આપના જે રીતે દિલ્હીમાં અને બીજા અમુક સ્ટેટની અંદર સફળતાના પ્રયોગો સફળ રહ્યા છે.

gujarat ahmedabad shailesh nayak