પતંગ મહોત્સવમાં ‘સરદાર ક્વિઝ’ અસરદાર રહી

10 January, 2023 11:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં પતંગ મહોત્સવમાં સરદાર વલ્લભભાઈ પટેલની ક્વિઝે બાળકોમાં જમાવ્યું આકર્ષણ : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, સ્પૅનિશ, ચાઇનીઝ સહિત ૧૨ ભાષાઓમાં બનાવી છે ક્વિઝ : બાળકોને સર્ટિફિકેટ અને પતંગ આપીને કરાય છે પ્રોત્સાહિત

અમદાવાદમાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં સરદાર પટેલની ક્વિઝમાં ભાગ લઈ રહેલાં બાળકો.

અમદાવાદ : ગુજરાતમાં આવેલા અમદાવાદમાં શરૂ થયેલા ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં સરદાર વલ્લભભાઈ પટેલની ક્વિઝે બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવનો નજારો જોવા આવતા ફૅમિલીનાં બાળકો ૧૦ પ્રશ્નોના જવાબ આપીને સરદાર પટેલ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરી રહ્યાં છે.

અમદાવાદ સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ ખાતે રવિવારથી ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ થયો છે. પતંગની સાથે-સાથે અહીં કાઇટ્સ ફોટો ગૅલરી અને હિસ્ટરી ઑફ કાઇટ્સ નામનાં બે પૅવિલિયન છે, જેમાં કાઇટ્સ ફોટો ગૅલરીમાં સરદાર યુનિટી ક્વિઝ નામથી બાળકોને ક્વીઝ રમાડવામાં આવી રહી છે અને એના માટે પાંચ લૅપટૉપ મુકાયાં છે.

અમદાવાદ ઉપરાંત ગઈ કાલે વડનગર અને વડોદરામાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ ઊજવાયો હતો જેમાં દેશવિદેશના પતંગબાજોએ પતંગ ચગાવીને લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. બીજી તરફ ગઈ કાલે વડોદરામાં નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં ૧૯ દેશો અને દેશનાં ૬ રાજ્યો સહિત ૬૦થી વધુ જેટલા પતંગબાજોએ તેમની પતંગ સંસ્કૃતિની ઝાંકી કરાવી હતી.

gujarat news statue of unity sardar vallabhbhai patel ahmedabad kites