ગુજરાતમાં કોરોના યોદ્ધાઓએ જ કરવા પડ્યાં ધરણાં અને પ્રદર્શન

13 May, 2021 02:20 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સમાન કામ, સમાન વેતન, પીએફ, મેડિકલ ભથ્થાં, એરિયર્સ સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વિશ્વ નર્સિસ દિને નર્સોએ અને ડૉક્ટરોએ કર્યા વિરોધી દેખાવો

કોરોના યોદ્ધાઓએ જ કરવા પડ્યાં ધરણાં

ગુજરાતમાં જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત આઠ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ફરજ બજાવતાં કોરોના વૉરિયર્સ એવાં ડૉક્ટરો અને નર્સોને પોતાની પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતાં ગઈ કાલે સરકાર સામે દેખાવો અને ધરણાં કરવા પડ્યાં હતાં. 

જી.એમ.ઇ.આર.એસ.ની આઠ મેડિકલ કૉલેજના ડૉક્ટરો અને નર્સોએ સમાન કામ, સમાન વેતન સહિતની પડતર માગણીના મુદ્દે ગઈ કાલે રૅલી કાઢી ગુજરાત સરકાર સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. 

જી.એમ.ઇ.આર.એસ. ફૅકલ્ટી અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. સંજય જાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જી.એમ.ઇ.આર.એસ.ના નેજા હેઠળની મેડિકલ કૉલેજોમાં કામ કરતા ડૉક્ટરોને મૂળભૂત બૅઝિક લાભ અપાયા નથી. અમારા કોઈના પીએફ અકાઉન્ટ નથી અને પીએફ પણ કપાતા નથી. સાતમા પગાર પંચના આધારે જે લાભ મળવા જોઈએ તે નથી મળતા, એરિયર્સ રિલીઝ કરાયા નથી, મેડિકલ રિમ્બર્સમેન્ટ નથી મળતું, ગ્રેજ્યુટી નથી મળતી. અમદાવાદમાં સોલા, વડોદરામાં ગોત્રી, ગાંધીનગર, પાટણ પાસે ધારપુર, વલસાડ, જૂનાગઢ, હિંમતનગર સહિત ગુજરાતમાં જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત આઠ કૉલેજો અને હૉસ્પિટલોમાં ૧૭૦૦ જગ્યાઓ છે તેના બદલે ૭૦૦ ડૉક્ટરોથી કામ ચલાવાય છે. આ બધા પ્રશ્નોના મુદ્દે છેલ્લાં કેટલાંક વર્ષથી સરકારમાં રજૂઆત કરાઈ છે તેમ છતાં પણ કોઈ પરિણામ નહીં આવતાં અમે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે.’

gujarat coronavirus covid19 ahmedabad