દિવાળી વેકેશન દરમિયાન અંબાજી મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

24 October, 2019 11:34 AM IST  |  અમદાવાદ

દિવાળી વેકેશન દરમિયાન અંબાજી મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અંબાજી મંદિર

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દિવાળીના પર્વમાં દર્શન કરવા આવતા માઈભક્તોની સુવિધા માટે આરતી અને મંદિરમાં દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને બેસતા વર્ષથી લઈને સાતમ સુધી અંબાજી મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેથી માઈભક્તો મોડી રાત સુધી મંદિરમાં દર્શન કરી શકશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને લઈને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨૮ ઑક્ટોબરને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં આરતી સવારે ૬ વાગ્યે થશે. ભાવિકો સવારે સાડાછ વાગ્યાથી પોણાઅગિયાર વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. ત્યાર બાદ બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અને એ પછી અન્નકૂટ આરતી યોજાશે. બપોરે સાડાબાર વાગ્યાથી સવાચાર વાગ્યા સુધી દર્શન થશે. સાંજે સાડાછ વાગ્યે સંધ્યા આરતી થશે અને એ પછી રાત્રે ૧૧ વાગ્યા સુધી માઈભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

આ પણ વાંચો : વરસાદે વિનાશ સર્જ્યો દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન

તા. ૨૯-૧૦-૨૦૧૯ને ભાઈબીજથી તા. ૩-૧૧-૨૦૧૯ સુધી આરતી સવારે સાડાછ વાગ્યે થશે. દર્શન સવારે ૭ વાગ્યાથી થઈ શકશે. મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

gujarat ahmedabad