અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪ દેશી બૉમ્બ સાથે એક શખ્સની ધરપકડ કરી

13 May, 2021 03:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

રિવરફ્રન્ટ વિસ્તારમાંથી પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાની પૂર્વતૈયારી પહેલાં જ બૉમ્બ મળવાની ઘટના બની છે. શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવક દેશી બનાવટના ચાર દેશી બૉમ્બ લઈને પસાર થતો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે આ શખસને પકડ્યો હતો અને તંબાકુના ડબ્બામાં રહેલા ચાર બૉમ્બ કબજે કર્યા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરીને શખ્સની પૂછપરછ શરૂ કરી છે. વિસ્તારમાંથી બૉમ્બ મળ્યો હોવાના સમાચાર મળતા લોકો ગભરાઈ ગયા છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ પર આજે સવારે જાવેદ ઉર્ફે બાબા બ્લોચ નામનો શખ્સ દેશી બનાવટના ચાર બૉમ્બ લઈને પસાર થઈ રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને આ અંગેની બાતમી મળતાં તરત જ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. વાદળી ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરીને પસાર થઈ રહેલા આ શખસને ક્રાઈમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ શખસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને ચાર દેશી બૉમ્બ તથા એક ધારદાર છરો મળી આવ્યો હતો. ત્યાર બાદ તરત બૉમ્બ-ડિસ્પૉઝલ ટીમને સ્થળ પર બોલાવીને બૉમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે જાવેદ ઉર્ફે બાબા બ્લોચની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, પોતાના પૈસા લેનારી વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પોતે આ બૉમ્બ બનાવ્યો હતો. હાલમાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આરોપી અગાઉ આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે. તે રીઢો ગુનેગાર છે.

gujarat gujarat news ahmedabad