ગુજરાતમાં ત્રીજી લહેરના સંભવિત મંડાણ પહેલાં 75 ઑક્સિજન પ્લાન્ટ સ્થપાશે

07 June, 2021 02:25 PM IST  |  Ahmedabad | Agency

વિજય રૂપાણીની રાજ્ય સરકારે પૂર્વસાવચેતી તરીકે તાબડતોબ શરૂ કરી દીધી પ્રક્રિયા

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ગુજરાત સરકારે કોરોના વાઇરસની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૭૫થી વધુ ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો રાજ્યમાં કોવિડની ત્રીજી લહેર શરૂ થશે અને જીવનાવશ્યક તબીબી પ્રાણવાયુ ઉત્પન્ન કરવા માટેની માગ વધશે તો આ પ્લાન્ટ્સમાં ૩૦૦ મેટ્રિક ટન ઑક્સિજન પેદા કરવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગઈ કાલે આ જાણકારી આપી હતી.

હાલમાં રાજ્યમાં કોઈ પણ સમયે કુલ ૮૦૦થી ૯૦૦ મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજન ઉપલબ્ધ રહે છે.ગુજરાતમાં બીજી લહેર દરમ્યાન કોરોના કેસની સંખ્યા ટોચ પર હતી ત્યારે રાજ્યને કુલ ૧૨૦૦ મેટ્રિક ટન ઑક્સિજનની જરૂર પડી હતી. હવે વધુ પ્લાન્ટ સ્થાપવા રાજ્યને પીએમ કૅર ફંડ, સંસદસભ્યો અને વિધાનસભ્યોની ગ્રૅન્ટ તથા ચૅરિટી ભંડોળ દ્વારા આર્થિક સહાયતા મળી છે
ગુજરાત હાઈ કોર્ટે થોડા દિવસ પહેલાં ટકોર કરી હતી કે ‘રાજ્યમાં કોરોનાના ફેલાવાની સ્થિતિ જોતાં લાગે છે કે લોકો કંઈ નિયમ પાળવાનું નહીં સમજે. જો રાજ્યમાં માળખાકીય સુવિધાઓ પૂરતી નહીં હોય તો દર છ મહિને એક નવી લહેર આવશે. એ જોતાં રાજ્ય સરકારે લોકોની સારવાર સંબંધમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને મજબૂત કરવું જ પડશે.’

ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 848 નવા કેસ નોંધાયા તથા એની સામે ૨૯૧૫ લોકો કોવિડની બીમારીમાંથી સાજા થયા હતા. ગઈ કાલે ૧૨ જઈના કોવિડથી મૃત્યુ થયા હતા.

ahmedabad gujarat coronavirus covid19