કેસરિયા રાષ્ટ્રવાદ વિરુદ્ધ કેજરીવાલનો રાષ્ટ્રવાદ

03 April, 2022 09:19 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બીજેપીની જેમ જ દેશભક્તિનો માહોલ ઊભો કર્યો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સાબરમતી આશ્રમમાં ચરખો કાંત્યો હતો

ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના હજ્જારો કાર્યકરો અમદાવાદમાં તિરંગા સાથે જોડાયા, ચારે તરફ તિરંગા લહેરાતા જોવા મળ્યા - બીજેપીની જેમ જ દેશભક્તિનો માહોલ ઊભો કર્યો, આમ આદમી પાર્ટીની તિરંગા ગૌરવ યાત્રામાં કેજરીવાલે ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા અને લગાવડાવ્યા, સાથે સવાલો પણ કર્યા

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે અમદાવાદમાં રાષ્ટ્રવાદનો માહોલ ઊભો કર્યો હતો. આકરા તાપમાં નીકળેલી તિરંગા ગૌરવ યાત્રામાં ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટી (એએપી - આપ)ના હજ્જારો કાર્યકરો તિરંગા સાથે જોડાયા. નિકોલથી યોજાયેલી યાત્રામાં ચારે તરફ તિરંગા લહેરાતા જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીની તિરંગા ગૌરવ યાત્રામાં કેજરીવાલે ભારત માતા કી જય, વંદે માતરમ અને ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને કાર્યકરોએ પણ એવા નારા લગાવ્યા હતા. દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિજય મેળવીને સત્તા હાંસલ કર્યા બાદ હવે જાણે ગુજરાતની તૈયારી કરતા હોય એમ ગઈ કાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ એક રીતે શક્તિ-પ્રદર્શન કર્યું હતું. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી યોજાયેલી તિરંગા ગૌરવ યાત્રા પહેલાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતાં. કેજરીવાલે અને તેમની પાર્ટીએ આ યાત્રા દરમ્યાન બીજેપીની જેમ જ દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. ચારે તરફ તિરંગા લહેરાયા હતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભામાં જેમ લોકોને પ્રશ્ન કરતા હોય એમ કેજરીવાલે પણ યાત્રા પહેલાં લોકોને પ્રશ્નો કરીને જવાબ મેળવ્યા હતા. કેજરીવાલે લોકોને ગુજરાતમાં ‘કેમ છો? મજામાં?’ એમ પૂછીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે ‘શું નજારો છે. ચારે તરફ તિરંગા ઝંડા છે. તિરંગો જોઈએ છીએ ત્યારે અંદર કંઈક-કંઈક થાય છે.’

અરવિંદ કેજરીવાલે તિરંગા યાત્રાના પ્રસ્થાન પહેલાં લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘મને રાજનીતિ કરતાં નથી આવડતી, ભ્રષ્ટાચાર ખતમ કરતાં આવડે છે. દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો. પંજાબમાં ભગવંત માને ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો. દિલ્હીમાં કોઈ પૈસા માગે તો કહે છે કે કેજરીવાલ આવી જશે. ગુજરાતમાં પૈસા માગે છે? શું રિશવત ચાલે છે?’ 
કેજરીવાલે આવા પ્રશ્નો કરતાં યાત્રામાં જોડાયેલા લોકોએ હા પાડી હતી. ત્યારે કેજરીવાલે કહ્યું કે ‘૨૫ વર્ષ અહીં થઈ ગયાં, બીજેપીએ પણ ભ્રષ્ટાચાર ખતમ ન કર્યો. હું અહીં કોઈ પાર્ટીની બુરાઈ કરવા નથી આવ્યો. મારી મકસદ અહીં આવવાની બીજેપી–કૉન્ગ્રેસને હરાવવાની નથી, હું ગુજરાતને જિતાડવા આવ્યો છું. ગુજરાતીઓને જિતાડવા આવ્યો છું. હું ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા આવ્યો છું.’

કેજરીવાલે બીજેપી સામે આક્ષેપ કરતાં કહ્યું કે ‘હવે આમને ૨૫ વર્ષમાં અહંકાર આવી ગયો છે. બોલો આવ્યો છે કે નહીં? તો એક મોકો આમ આદમી પાર્ટીને આપો. પસંદ ન આવે તો આગલી વખતે બદલી નાખજો. ફરી લઈ આવજો તેમને.’

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. પંજાબમાં અમે જીત્યા છીએ, દિલ્હી પંજાબ થઈ ગયું, અમારી તૈયારી હવે ગુજરાત માટેની છે.’  

gujarat gujarat news aam aadmi party arvind kejriwal shailesh nayak