વરસાદ પડતાં વિધાનસભ્યએ બે દિવસ પગપાળા ચાલીને માનતા પૂરી કરી

21 September, 2021 10:47 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પદયાત્રાના રસ્તામાં આવતાં તમામ ગામોના નાગરિકોએ ગેનીબહેન ઠાકોરનું સ્વાગત કર્યું હતું

માનતા પૂરી કરવા પદયાત્રા કરીને નડેશ્વરી માતાજીના મંદિરે જઈ રહેલાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોર તથા કાર્યકરો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં પ્રજાની તકલીફ દૂર થાય તેમ જ ખેડૂતો અને પશુ-પંખીઓની સુખાકારી માટે થઈને વાવનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે ભાદરવી પૂનમ સુધીમાં સારો વરસાદ પડે તે માટે માનતા રાખી હતી અને પુષ્કળ વરસાદ થતાં તેઓ ભાભરથી નડાબેટ સુધી બે દિવસ પગપાળા ચાલીને ગઈ કાલે ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા નડેશ્વરી માતાજીના મંદિરે પહોંચ્યાં હતાં અને માનતા પૂરી કરી હતી.

જનહિત માટે બાધા રાખી હોવાથી અને વરસાદ પડતાં પદયાત્રાના રસ્તામાં આવતાં તમામ ગામોના નાગરિકોએ ગેનીબહેન ઠાકોરનું સ્વાગત કર્યું હતું અને તેમને આવકાર્યાં હતાં.

ગેનીબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુઇ ગામ તાલુકામાં બોર્ડર પાસે નડાબેટ ગામ અને નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. રક્ષાબંધનના દિવસે હું બીએસએફના જવાનોને રાખડી બાંધવા ગઈ હતી ત્યારે મેં આ માનતા રાખી હતી.’

gujarat gujarat news Gujarat Rains shailesh nayak