મોઢામાં જ ફૂટ્યો સૂતળી બૉમ્બ

16 November, 2020 01:54 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

મોઢામાં જ ફૂટ્યો સૂતળી બૉમ્બ

સિવિલ હૉસ્પિટલમાં ​મનકુ યાદવ

હાલમાં દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ફટાકડા ફોડતાં બાળકો અને યુવાનો સહિત સમાજ માટે આંખ ઉઘાડનારી, ચોંકાવનારી ઘટના સુરતમાં બની છે. પાંડેસરા વિસ્તારમાં એક યુવાને સૂતળી બૉમ્બ મોઢામાં મૂકતા અને એ બૉમ્બ મોઢામાં જ ફૂટતાં યુવક બેભાન થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાનને સારવાર માટે સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે.
આ ઘટના સંદર્ભમાં એવું કહેવાઈ રહ્યું છે કે દિવાળી પર્વની ઉજવણીમાં ડીજેના તાલે રાત્રે યુવાનો ઝૂમી રહ્યા હતા એ દરમ્યાન ફટાકડા ફોડતી વખતે મજાક-મજાકમાં મનકુ (પિન્ટુ) યાદવે સૂતળી બૉમ્બ મોઢામાં મૂક્યો હતો. હજી તો કોઈ કંઈ સમજે એ પહેલાં આ બૉમ્બ ફૂટ્યો હતો. સૂતળી બૉમ્બ ફૂટતાં મનકુના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અચાનક જ બૉમ્બ મોઢામાં ફૂટતાં ગભરાઈ ગયેલા આસપાસના નાગરિકો તેને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
સુરત સિવિલ હૉસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડૉ. કેતન નાયકે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘રમત-રમતમાં આ સૂતળી બૉમ્બ ફૂટ્યો હતો. હાલમાં આ યુવાન સારવાર હેઠળ છે. મોઢાના ભાગેથી તેનો સોજા ઊતરી જાય પછી કાલે એકસ રે કરીને તેમ જ જરૂર પડે સિટી સ્કૅન કરીને ઇન્જરી અંગે વધુ તપાસ કરી જરૂરી સારવાર કરાશે.’

gujarat ahmedabad surat