કચ્છમાં માતાના મઢમાં ખરું સ્ત્રીસશક્તીકરણ

14 October, 2021 10:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

નવરાત્રિની આઠમના દિવસે આશાપુરા માતાજીના મંદિરમાં રાજમાતા પ્રીતિદેવીએ માતાજીના ચરણે ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવી પતરીવિધિ સંપન્ન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા : આવું કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં છે

માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરમાં યોજાયેલી પતરીવિધિમાં ખોળામાં પતરી ઝીલતાં રાજમાતા પ્રીતિદેવી.

માતાજીની નવરાત્રિ રંગેચંગે ઊજવાઈ રહી છે ત્યારે ગઈ કાલે આઠમના નોરતે કચ્છમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરમાં પહેલી વાર કોઈ મહિલા પતરીવિધિમાં જોડાઈ હતી. રાજમાતા પ્રીતિદેવીએ માતાજીના ચરણે ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવી પતરીવિધિ સંપન્ન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આશાપુરા માતાજી મંદિરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા અને પ્રવીણસિંહ વાઢેરે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી માતાના મઢમાં પતરીની પ્રથા ચાલુ થઈ છે ત્યારથી રાજપરિવારના પુરુષ સભ્યો જ પતરીવિધિમાં સામેલ થાય છે અને પતરીનો પ્રસાદ ઝીલે છે. ગઈ કાલે પહેલી વાર રાજમાતા પ્રીતિદેવીએ પતરીવિધિ કરી હતી. આ વિધિમાં માતાજીના ખભા પર પતરીનો ઝૂડો રાખવામાં આવે છે એ ખોળામાં ઝીલે છે.’
કચ્છમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં વર્ષોથી નવરાત્રિમાં આઠમના નોરતે પતરીવિધિ યોજાય છે. એમાં રાજપરિવારના પ્રતિનિધિ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. ગઈ કાલે યોજાયેલી આ પતરીવિધિમાં ભાવિકો માતાજીનાં દર્શન કરવા ઊમટ્યા હતા અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

gujarat news gujarat kutch shailesh nayak