06 January, 2026 06:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવાની માગણી સાથે અમદાવાદ જિલ્લાના માંડલમાં પાટીદાર સમાજની રૅલી યોજાઈ હતી.
ભાગેડુ લગ્નના મુદ્દે ગઈ કાલે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાન્તિ મહારૅલી યોજાઈ હતી. આ રૅલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો, યુવકો-યુવતીઓ જોડાયાં હતાં અને લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા અવાજ બુલંદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લગ્નકાયદામાં સુધારાની માગણીની સાથે-સાથે માંડલના મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં ગુજરાતી અધિકારીઓ સાથે થતો પૂર્વગ્રહ બંધ થાય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સમગ્ર પાટીદાર સમાજ દ્વારા માંડલના રામપુરા ત્રણ રસ્તાથી મામલતદારની ઑફિસ સુધી જનક્રાન્તિ મહારૅલી યોજાઈ હતી. આ રૅલીમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ હતી કે મહિલાઓ અને યુવતીઓ રૅલીમાં જોડાવા ઊમટી હતી. કેટલાંક તત્ત્વો દ્વારા સમાજની યુવતીઓને ભોળવી તેમને ભગાવી જઈને પ્રેમલગ્ન કરવા સામે મહિલાઓમાં ભારોભાર રોષ ફેલાયેલો છે. રૅલીમાં
જોડાયેલાં મહિલાઓ અને પુરુષોની માગણી હતી કે લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. પાટીદાર સમાજની રૅલી મામલતદારની કચેરીએ પૂરી થઈ હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.