World No tobacco day નિમિત્તે યોજાઈ બાઈક રેલી

31 May, 2019 04:28 PM IST  |  અમદાવાદ

World No tobacco day નિમિત્તે યોજાઈ બાઈક રેલી

આજે વિશ્વ આખું વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે તમાકુ નિષેધ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર તમાકુથી થતા નુક્સાન અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમદાવાદમાં પણ નોવોટેલ હોટેલ અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સહયોગથી આવો જ અવેરનેસ પ્રોગ્રામ આજે યોજાયો. અમદાવાદમાં કેડિલા અને નોવોટેલના સંયુક્ત ઉપક્રમે સવારે 7-00 વાગે એક બાઈક રેલી યોજાઈ. એસ. જી હાઈવે પર આવેલી નોવોટેલ હોટેલથી એસપી રિંગ રોડ થઈને ફરી નોવોટેલ હોટેલ સુધી એમ 20 કિલોમીટરના રૂટ પર આ રેલી યોજાઈ હતી.

આ રેલીનો ઉદ્દેશ લોકોને તમાકુ વેચતા અને ખરીદતા અટકાવવાનો તથા તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે દુનિયામાં તમાકુને કારણે થતાં મોતને ધ્યાનમાં લઈએ તો ભારત સમગ્ર દુનિયામાં તમાકુના વપરાશમાં બીજા નંબરે આવે છે. ચોંકાવનારી વાત એ છે કે વિશ્વમાં તમાકુથી થતા મોતમાં છઠ્ઠા ભાગના મોત ભારતમાં થાય છે. આ કુટેવ પાછળ થતા અતિશય ખર્ચ ઉપરાંત તે ઝડપથી રોગ અને ગરીબી તરફ દોરી જાય છે તથા તેની સારવાર માટેનો ખર્ચ પણ વધતો જાય છે. આ ઉપરાંત સામાન્ય રીતે તમાકુ માટે જે ખર્ચ કરવામાં આવે છે તે ભોજન અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને ભોગે કરવામાં આવે છે.

ત્યારે તમાકુ છોડવા માટે અવેરનેસ પ્રોગ્રામ હેઠળ યોજાયેલી આ રેલીમાં નોવોટેલ અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકાએ આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,'તમાકુ મોઢાના કેન્સર જેવા ઘાતક રોગ તરફ દોરી જતુ મહત્વનુ જોખમી પરિબળ છે અને દુનિયામાં તેના કારણે 63 લાખ લોકોના મોત થાય છે અને 15.6 કરોડથી વધુ લોકો અપંગ જેવુ જીવન જીવે છે. જોખમને સમજ્યા વગર યુવાનો ઉછેરની વયે તમાકુનો વપરાશ શરૂ કરી દેતા હોવાથી અમે પાયાના સ્તરે તમાકુના ઉપયોગ કરનાર ઉપરાંત તમાકુનો ઉપયોગ કરનારના કોઈ પણ સ્વરૂપે સંસર્ગમાં આવનારને પેસિવ સ્મોકીંગથી થતી ઘાતક તથા જોખમી અસરો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારની માહિતી ઉછેરનાં વર્ષોમાં અભ્યાસક્રમ તરીકે પ્રાપ્ત થવી જોઈએ અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.'

આ પણ વાંચોઃ World No Tobacco Day: ગુજરાતીઓ ગણાવે છે વ્યસન છોડવાના ઉપાયો, આ રીત અપનાવો

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ તમાકુ સાથે સંકળાયેલા રોગોને કારણે થતાં મોતમાં 2020 સુધીમાં 13.3 ટકા સુધીનો વધારો થશે અને 2020 સુધીમાં ભારતમાં અંદાજે 15 લાખ લોકોના આવા રોગોને કારણે મોતનો ભોગ બનશે.

ahmedabad gujarat news