સુરતઃબિલ પછી હવે સાડી પર પણ નરેન્દ્ર મોદી

12 February, 2019 07:50 AM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરતઃબિલ પછી હવે સાડી પર પણ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીની ડિઝાઈનવાળી સાડી

લોકસભામાં નરેન્દ્ર મોદીની જીત માટે પહેલાં પૅકેજિંગ પ્લાસ્ટિક પટ્ટી પર અને એ પછી બિલ તથા વાઉચર પર નરેન્દ્ર મોદીનું કૅમ્પેન શરૂ થયા પછી સુરતના ટેક્સટાઇલના એક વેપારીએ હવે નવી પહેલ કરીને નમો સાડી બનાવી છે. આ નમો સાડી ત્રણ પ્રકારની ડિઝાઇનમાં છે. એમાંથી એક સાડીમાં નરેન્દ્ર મોદી અને તેમનો સ્વચ્છતાનો સંદેશ છે તો એક સાડીમાં નરેન્દ્ર મોદીની અલગ-અલગ લાક્ષણિક મુદ્રાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે એક ડિઝાઇનમાં માત્ર મોદી જ દર્શાવવામાં આવ્યા છે.

સાડી પર મોદીની ડિઝાઈન

સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ સમયે નરેન્દ્ર મોદીનો જબરદસ્ત વિરોધ કર્યો હતો અને મહિનાઓ સુધી વેપાર બંધ રાખ્યો હતો, પણ લોકસભાનું ઇલેક્શન નજીક આવે છે ત્યારે આખી ઇન્ડસ્ટ્રી જાણે કે મોદી રંગમાં રંગાઈ ગઈ હોય એ પ્રકારે વર્તી રહી છે. સુરતના સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે ‘વષોર્ પહેલાં એવું બનતું કે વર્લ્ડ કપ સમયે ફેવરિટ પ્લેયરની સાડી કે ડ્રેસ-મટીરિયલ બનતાં અને લોકોમાં એની ડિમાન્ડ રહેતી, પણ સાડીમાં કોઈ રાજનેતાનું પિક્ચર હોય અને લોકો એની ડિમાન્ડ કરે, એ પહેરે એવું ક્યારેય જોવા નથી મળ્યું. આ બહુ સારી નિશાની છે કે લોકો આ પ્રકારની ડિમાન્ડ કરે છે.’

આ પણ વાંચોઃ સુરતઃનારી સંરક્ષણ ગૃહમાં યુવતીનો આપઘાત

આ નમો સાડી હજી તૈયાર થઈ છે. હવે એના ઑર્ડર લેવામાં આવશે અને એ પછી એની સપ્લાય શરૂ કરવામાં આવશે. સુરતની રીટેલ માર્કેટમાં આ નમો સાડીની ત્રણેત્રણ પૅટર્ન મળવા માંડી છે. આ સાડીની હોલસેલ પ્રાઇઝ ૨૦૦થી ૩૫૦ રૂપિયાની છે.

surat news narendra modi