બે જુદા-જુદા કેસ મામલે રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં

10 October, 2019 08:49 AM IST  |  સુરત

બે જુદા-જુદા કેસ મામલે રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં રહેશે. બે જુદા-જુદા કેસમાં તે પહેલાં આજે સુરતની કોર્ટમાં હાજરી આપશે, જ્યારે બીજા દિવસે અમદાવાદમાં ૧૧મીએ કોર્ટમાં હાજર થશે. ગઈ લોકસભા ઇલેક્શનના પ્રચારમાં કર્ણાટકની એક રૅલીમાં ‘બધા જ ચોરોનાં ઉપનામ મોદી કેમ’ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આગામી આજરોજની મુદત છે. કૉન્ગ્રેસી અને કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુદતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે. આજે બુધવારે કૉન્ગ્રેસની એક પત્રકાર-પરિષદ પણ છે.

બૅન્ગલોરથી ૧૦૦ કિલોમીટર દૂર ૧૩ એપ્રિલ, ૨૦૧૯ના રૅલીમાં કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછ્યું હતું કે બધા જ ચોરોનાં ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડ પોતાના દોસ્ત અનિલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં ઍડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેશ પવાર મારફત પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને હત્યાકેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો, જેની મુદ્દત ૧૧ ઑક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા આવશે.

આ પણ વાંચો : બાળકને કામ પર રાખવા બાદ ગુજરાતની આ જાણીતી રેસ્ટોરેન્ટને થયો દંડ

કેટલાક કૉન્ગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાત દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનિંગ હાથ ધર્યું હતું. શહેર કૉન્ગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાએ કહ્યું કે રાહુલ ગાંધી ઍરપોર્ટથી સીધા કોર્ટ આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ જશે, બાદમાં ઍરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે. નોંધનીય છે કે રાહુલ તરફે ઍડ્વોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે.

gujarat surat rahul gandhi ahmedabad