સુરતમાં વરસાદની તોફાની બેટિંગ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ

03 July, 2019 01:04 PM IST  |  સુરત

સુરતમાં વરસાદની તોફાની બેટિંગ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ

File Photo

મુંબઈમાં ધમધોકાર વરસાદ બાદ હવે ગુજરાતમાં પણ ધીમે ધીમે ચોમાસું અસલી સ્વરૂપ બતાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તાકાત બતાવ્યા બાદ જાણે હવે વાદળો આગળ વધ્યા છે. સુરતમાં બુધવારે વરસાદે તોફાની બેટિંગ કરી છે. સુરતમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સુરતના વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને સુરતના સેન્ટ્રલ ઝોન અને વરાછામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

સુરતમાં વહેલી સવારથી જ વરસાદે ધડબડાટી બોલાવી છે. વહેલી સવારથી 12 વાગ્યા સુધીમાં સુરતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. સુરતના સેન્ટ્રલ ઝોનમાં 2 ઈંચ, વરાછામાં 2 ઈંચ, રાંદેરમાં પોણ બે ઈંચ, કતારગામમાં 1 ઈંચ, અઠવામાં અડધો ઈંચ અને લિંબાયતમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાની વાત કરીએ ચોર્યાસીમાં 15 મિમી અને કામરેજમાં 6 મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડામાં હજીય કોરાધાકોર છે.

આ પણ વાંચોઃ Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા

વરાછા વિસ્તારમાં 2 ઈંચ વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા સુરતના ગાયત્રી, બરોડા પ્રિસ્ટેજ, કતારગામ ગરનાળા સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે 12 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા સુરતીલાલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. હજીય આગામી બે દિવસમાં શહેરમા ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણેએક મહિનામાં જ સાડા 9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.

surat news Gujarat Rains