અમદાવાદ : હારે એ બીજા, બાઇકિંગ ક્વીન્સ નહીં

13 August, 2019 08:57 AM IST  |  અમદાવાદ

અમદાવાદ : હારે એ બીજા, બાઇકિંગ ક્વીન્સ નહીં

ડૉ. સારિકા મહેતા અને રૂતાલી પટેલ.

‘વિમેન એમ્પાવરમેન્ટ‘ અને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદેશ સાથે બાઇક પર પચીસ દેશોની સફરે નીકળેલી સુરતની બાઇકિંગ ક્વીન્સની બાઇક ઍમ્સ્ટરડૅમમાંથી ચોરાઈ હોવા છતાં મનોબળ મજબૂત કરીને પાછીપાની કર્યા વગર બે બાઇક રેન્ટ પર લઈને ડૉ. સારિકા મહેતા અને રૂતાલી પટેલે મુસીબતની પરવા કર્યા વગર નિર્ધારિત લક્ષ્યે પહોંચવા લંડન સુધીની બાઇક-સફર આગળ ધપાવી અને પૅરિસ સુધી પહોંચી જઈને ગુજરાતી સાહસિક મહિલા શું કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બેટી બચાવો, બેટી પઢાઓ અને વિમેન એમ્પાવરમેન્ટના મેસેજ સાથે સુરતની ત્રણ બાઇકિંગ ક્વીન્સે વિશ્વના ત્રણ ખંડના પચીસ જેટલા દેશોમાંથી ૨૫,૦૦૦ કિલોમીટરથી વધુની સફર કરીને લંડન સુધીની બીજી જૂનથી તેમની સાહસિક સફર શરૂ કરી હતી. ડૉ. સારિકા મહેતા અને રૂતાલી પટેલ જ્યારે ઍમ્સ્ટરડૅમ પહોંચ્યાં હતાં અને હોટેલમાં રોકાયાં હતાં ત્યારે શનિવારે રાત્રે તેમની બાઇક ચોરાઈ ગઈ હતી. સવારે આ વાતની ખબર પડતાં જ હોટેલના સત્તાવાળાઓને જાણ કરી હતી અને પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. સુરતની આ બાઇકિંગ ક્વીન્સને મૂળ મુંબઈના રક્ષિત જેઠવા અને ગુજરાતી સમાજના નાગરિકોએ મદદ કરીને તેમને સપોર્ટ કર્યો હતો. જોકે બાઇક ચોરાઈ ગઈ હોવા છતાં નિર્ધારિત લક્ષ્યે પહોંચવા માટે બે બાઇક રેન્ટ પર લઈને ડૉ. સારિકા મહેતા અને રૂતાલી પટેલે તેમની સફર પાછી શરૂ કરી હતી.

પૅરિસથી વૉઇસનૉટ દ્વારા ડૉ. સારિકા મહેતાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આવી ઘટના બને ત્યારે ખાસ કરીને મહિલાઓમાં બહુ જ પૅનિક થાય કે હવે આગળ શું? કેવી રીતે જઈશું? આ તબક્કે મને બે વિચાર આવતા હતા કે બેસીને રડ્યા કરું, ત્યાં બેસીને હવે શું કરવાનું એમ વિચારી દિવસ પસાર કરવાનો કે પછી હિંમત રાખીને જે સપનું મેં જોયું છે લંડન પહોંચવાનું ત્યાં પહોંચું. તો મેં સેકન્ડ વિચાર પસંદ કર્યો. એ જ સમયે મારા હસબન્ડ, માતા-પિતા અને બાળકો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે તારામાં એટલોબધો કૉન્ફિડન્સ છે કે એમાંથી તું રસ્તો કાઢીશ. ચૅલેન્જિસ ડિફિકલ્ટી આવે જ, ચૅલેન્જિસને ફેસ કરીને આપણે આગળ વધીએ તો એમાંશી શીખવા મળે છે અને એ જ આપણો અવૉર્ડ કહેવાય.

ડૉ. સારિકા મહેતાએ કહ્યું હતું કે ‘બસ, આ વસ્તુ મગજમાં રાખીને બે બાઇક રેન્ટ પર લીધી અને પાછી બાઇક-રાઇડની જર્નીની શરૂઆત કરીને પૅરિસ પહોંચી ગયાં છીએ. હવે અમે પૅરિસથી બાર્સેલોના પહોંચીશું અને ત્યાં ૧૫ ઑગસ્ટે ફ્લૅગ હોસ્ટિંગ કરીશું. અમે બધાની શુભેચ્છાથી ડૅફિનેટલી લંડન પહોંચીશું.’

ડૉ. સારિકા મહેતાએ વધુમાં કહ્યું કે ‘ઇન્ડિયન વુમન અને તએમાં પણ જો મહિલા ગુજરાતી હોય તો ધારે એ કરી શકે છે. કોઈ પણ ડિફિકલ્ટી–ચૅલેન્જ આવે એમાંથી નીકળવાનો રસ્તો પોતાનામાં જ હોય છે. ટાઇમ વેસ્ટ કરીએ એના કરતાં શું કરી શકાય એ વિચારીને આગળ વધવાની વાત છે. સશક્ત નારી, સશક્ત ભારત, બેટી બચાવો, બેટી પઢાઓ, વિમેન એમ્પાવરમેન્ટનો મેસેજ આપતા જતા હોઈએ એમાં આ એક ઉદાહરણ આપવા માગું છું.’

તેમણે ઉમેર્યું કે ‘અમારી બાઇકચોરીની ઘટના દરમ્યાન અમને મુળ મુંબઈના રકક્ષિત જેઠવાનો સપોર્ટ મળ્યો અને તેમણે હિંમત આપી. ભારતીય કમ્યુનિટીએ બહુ મદદ કરી. ગુજરાતી કમ્યુનિટીએ જે મદદ કરી એ હું કોઈ દિવસ ભૂલી શકું એમ નથી. ખાસ તો રક્ષિત જેઠવા જે અમારી સાથે રહ્યા, પોલીસ-સ્ટેશન, વેરહાઉસ સહિતની જગ્યાએ અમારી સાથે રહ્યા, જ્યાં પણ ચેક કરવાનું હોય ત્યાં સાથે રહ્યા હતા.’

આ પણ વાંચો : અમદાવાદને મળી 10 નવી નક્કોર ઈ-બસ

જિનલ શાહનો પાસપોર્ટ ચોરાઈ જતાં તેણે ભારત પાછાં ફરવું પડ્યું

સુરતની ત્રણ બાઇકિંગ ક્વીન્સ ૨૫ દેશોની સફરે બાઇક પર નીકળી હતી, જેમાં જિનલ શાહનો પાસપોર્ટ મૉસ્કોમાં ચોરાઈ ગયો હતો. ઇન્ડિયન ઍમ્બેસીની મદદથી વાઇટ પાસપોર્ટ મળ્યો હતો, પરંતુ ટેક્નિકલ કારણસર જિનલ શાહે ભારત પાછા ફરવું પડ્યું હતું અને ડૉ. સારિકા મહેતા તથા રૂતાલી પટેલ આગળ વધ્યાં હતાં.

surat ahmedabad gujarat