અમદાવાદ: 10,000 રૂપિયામાં દોઢ ટન એસીનો મેસેજ જ ફૅક નીકળ્યો

27 June, 2019 08:45 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

અમદાવાદ: 10,000 રૂપિયામાં દોઢ ટન એસીનો મેસેજ જ ફૅક નીકળ્યો

એસી

ગુજરાતની વીજ કંપની દ્વારા માત્ર ૧૦ હજાર રૂપિયામાં દોઢ ટનનું એસી મળશે તેવા સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજથી અચરજ ફેલાયું હતું અને નાગરિકોમાં આ મેસેજને લઈને ભારે ચર્ચા ઊઠી હતી ત્યારે માત્ર ૧૦ હજાર રૂપિયામાં સરકારના સસ્તા એસીના વાઇરલ થયેલા મેસેજથી ગુજરાત ઊર્જા‍ વિકાસ નિગમને સ્પક્ટતા કરવી પડી છે કે આવી કોઈ યોજના અમલમાં નથી અને આવા મેસેજ પર ધ્યાન ન આપવા નાગરિકોને અપીલ કરી છે. ગુજરાત ઊર્જા‍ વિકાસ નિગમ લિમિટેડના કોર્પોરેટ કમ્યુનિકેશન વિભાગના મેનેજર યશપાલ પરમારે આ ફેક મેસેજ અંગે કહ્યું હતું કે ૧૦ હજાર રૂપિયામાં દોઢ ટન એસીના સોશ્યલ મિડિયામાં જે મેસેજ વાઇરલ થયા છે તે ખોટા છે. વીજગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કોઈકે આવો ખોટો મેસેજ વાઇરલ કર્યો હોય તેમ જણાય છે.

આ પણ વાંચો : ગુજરાત: વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં ભારે વરસાદ

આવી કોઈ જ યોજના ગુજરાત ઊર્જા‍ વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ વિતરણ કંપનીઓ મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અમલમાં નથી અને આવી કોઈ યોજના વીજ કંપની ખાતે વિચારણા હેઠળ નથી. આવા કોઈ ખોટા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા વીજગ્રાહકોને અપીલ કરવામાં આવે છે.

ahmedabad gujarat gujarati mid-day