આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, નવરાત્રિમાં પડશે ?

26 September, 2019 02:49 PM IST  |  અમદાવાદ

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, નવરાત્રિમાં પડશે ?

નવરાત્રિ આડે હવે ત્રણ જ દિવસ બાકી છે. ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. તો સોસાયટીઓથી લઈને પાર્ટીપ્લોટ પણ ગરબા માટે સજ્જ છે. પરંતુ વરસાદ ખેલૈયા સહિત આયોજકોનો આનંદ બગાડી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. બાકીના બે દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે 3 ઓક્ટોબર પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ગરબાના શોખીનો અને આયોજકો ચિંતિત બન્યા છે. નવરાત્રિમાં જો વરસાદ વિલન બનશે તો ખેલૈયાઓનાં હજારોનાં પાસ અને આયોજકોનાં લાખો રૂપિયાનું પણ નુકસાન થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે 126 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના જળ સંગ્રહમાં પણ વધારો થયો છે. રાજ્યના 99 જળાશયો છલકાયા છે. તો ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે નર્મદાનો સરદાર સરોવર ડેમ પણ ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે. પરિણામે ગુજરાતને બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ભેગો થયો છે. 

આ પણ વાંચોઃ નવરાત્રિમાં કઈ રીતે કરશો ઘટ સ્થાપના, આ છે શુભ મુહૂર્ત

હવામાન વિભાગ મુજબ હજુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. ત્યારે જે જિલ્લામાં 100 ટકા વરસાદ નથી પડ્યો તેવા જિલ્લામાં વરસાદ પડે તેમ મનાઇ રહ્યું છે. જો કે ઉત્તર ગુજરાતનાં પાટણમાં તો માત્ર 1 એમ.એમ વરસાદ પડે તો ત્યાં 100 ટકા વરસાદ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ એમ મનાઇ રહ્યું છે કે સાર્વત્રિક વ્યાપક વરસાદના પગલે આ વર્ષે બમ્પર ઉનાળુ પાક ખેડૂતોને મળશે.

gujarat ahmedabad Gujarat Rains navratri