જૂનાગઢઃ27 ફેબ્રુઆરીથી શરૂ થશે શિવરાત્રિનો મેળો

11 January, 2019 10:23 AM IST  |  ગાંધીનગર

જૂનાગઢઃ27 ફેબ્રુઆરીથી શરૂ થશે શિવરાત્રિનો મેળો

સીએમ રૂપાણીએ કરી તૈયારીઓની સમીક્ષા

મહાશિવરાત્રિનું પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભરાતા મેળાને લઈ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાના ભવ્ય આયોજન માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગિરનારી તળેટીમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી સુધી મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાશે.

ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેતી બેઠકમાં મેળાના આયોજન અંગે ચર્ચા થઈ. બેઠક બાદ સીએમ વિજય રૂપાણીએ આપેલી માહિતી પ્રમાણે આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે. તો મેળાની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ, કુંડ-નદીનાળાની સફાઈ, મેરેથોન, પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વૉકના નવા આકર્ષણો પણ આ વખતે જોવા મળશે.

આ પણ વાંચોઃ રૂપાણી કેબિનેટની મળી બેઠક, થઈ શકે મહત્વની જાહેરાત

રાજ્ય સરકારે આ વખતે જૂનાગઢના મેળાને મિની કુંભમેળા તરીકે યોજવાની જાહેરાત કરી છે. મેળાની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્ય સરકારના અધિકારીઓની ટીમ પણ ગિરનાર મોકલાઈ હતી. આ ટીમના સૂચનો ધ્યાનમાં લઇને ગિરનાર કુંભમેળો ભવ્ય બનાવવા વિજય રૂપાણીએ માર્ગદર્શન આ બેઠકમાં આપ્યું હતું. આ સૂચનો બાદ ગિરનારના મેળા દરમિયાન પર્વતની દિવાલો પર લેસર શૉ, રંગોળી કરવાનું પણ નક્કી કરાયું છે. મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય- સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવનાનું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી.

gujarat news