હજી આવશે, બે દિવસ સુધી આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

04 August, 2019 01:51 PM IST  |  ગાંધીનગર

હજી આવશે, બે દિવસ સુધી આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

તોળાઈ રહી છે આફત

રાજ્યમાં વરસાદે જબરજસ્ત તારાજી સર્જી છે. વડોદરા બાદ સુરત, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વરસી રહી છે. સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કલાકોના ગાળામાં 10-10 ઈંચ વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે નદી નાળામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. બીજી તરફ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. માંડ વરસાદ બંધ થાય અને લોકો રાહતનો શ્વાસ લે ત્યાં જ વરસાદ ફરી શરૂ થઈ જાય છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો કે પરિસ્થિતિ હજીય ગંભીર બની શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુધી રાજ્યના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ Mumbai Rain: મુંબઈમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ, હજીય રસ્તાઓ છે પાણીમાં

તો અમદાવાદ, વડોદરા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. બીજા દિવસે એટલે કે મંગળવારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Gujarat Rains surat ahmedabad anand