દક્ષિણ ગુજરાત જળતરબોળ, માત્ર કલાકોમાં 7 ઈંચ વરસાદ

25 July, 2019 10:20 AM IST  |  સુરત

દક્ષિણ ગુજરાત જળતરબોળ, માત્ર કલાકોમાં 7 ઈંચ વરસાદ

ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જો કે આ આગાહી જાણે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ સાચી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં બુધવાર સાંજથી જ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો સાંબેલાધાર વરસાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વરસાદ માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તડાફડી બોલાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા 12 કલાકમાં વાંસદામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સોનગઢમાં 4 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ, આહવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. અને દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં સામાન્યથી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે, તો નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમય થઈ ચૂક્યા છે. જેને લીધે જનજીવનને પણ માઠી અસર પડી રહી છે.

સાંબેલાધાર વરસાદને કારણએ વાંસદા, નવસારી અને જલાલપોરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ચૂક્યા છે. જુનાથાણા વિસ્તારમાં વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી હતી અને પાણીમાં અનેક વાહનો ખોટકાયા હતા. તો નવસારી શહેરના અનેક વિસ્તારમાં વીજળી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. એક તરફ આકાશમાં અંધારપટ અને લાઈટો જવાથી ભયાનક માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે સ્ટેશન વિસ્તાર, લાઈબ્રેરી વિસ્તાર, જુનાથાણા વગેરે વિસ્તારમાં વીજ ગાયબ થઈ હતી. કેટલાક વિસ્તારમાં અડધા કલાકમાં તો કેટલાક વિસ્તારમાં તો પોણા કલાક બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થયો હતો. હાલના વરસાદથી ખેડૂતોને પણ રાહત થઇ છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, માયાનગરી ડૂબી પાણીમાં 

ડાંગમાં પણ વરસાદે જબરજસ્ત બેટિંગ કરી છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સાપુતારા ફરવા ગયેલા પ્રવાસીઓ પણ વરસાદી વાતાવરમ મળવાથી ખુશખુશાલ થયા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે ડાંગ જિલ્લામાં પાછલા 12 કલાકમાં વઘઈમાં 3.4 ઇંચ, આહવામાં 3.64 ઇંચ, સાપુતારામાં 1.48 ઇંચ, સુબિરમાં 1.88 ઇંચ વરસાદ નોંધાયો છે

Gujarat Rains surat gujarat news