વાત ગુજરાતના Titanic 'વીજળી'ની, જાણો શું હતી ઘટના

15 April, 2019 06:20 PM IST  |  | ભાવિન રાવલ

વાત ગુજરાતના Titanic 'વીજળી'ની, જાણો શું હતી ઘટના

વિકીપીડિયા પર વીજળી અને હાજી કાસમનો આ ફોટો મળે છે, પરંતુ તે સાચો જ હોવાનો કોઈ પુરાવો નથી. (Image Courtesy:Wikipedia)

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ

દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર

મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર

આ લોકગીત યાદ કરાવે છે એ ભયંકર કરુણાંતિકા, જેણે સેંકડો લોકોના ભોગ લીધા હતા. જો કે 'વીજળી' ડૂબ્યાની વાત મોટા ભાગે આ લોકગીત પૂરતી જ સીમિત રહી ગઈ છે. વીજળી આગબોટ વિશે જેટલી માહિતી ઈન્ટરનેટ પર મોજૂદ છે, તેમાંથી મોટા ભાગની માહિતી અદ્ધરતાલ છે. વીજળી આગબોટનું નામ, તેમાં સવાર મુસાફરોની સંખ્યા, મૃતકોની સંખ્યા બધું જ લોકગીત પર જ આધારિત છે. જો કે ગુજરાતની આ ગોઝારી દુર્ઘટના પર એક પુસ્તક પણ લખાઈ ચૂક્યુ છે. ધોરાજીના યુનુસ ચીતલવાલા વીજળીની દુર્ઘટના પર 'વીજળીઃહાજી કાસમની' નામનું પુસ્તક લખી ચૂક્યા છે. જેમાં વીજળીના રૂટ, તેને બનાવનાર કંપની સહિતની માહિતી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે યુનુસ ચીતલવાલાએ સંશોધન કરીને વીજળીનો ઓરિજિનલ ફોટો પણ શોધી નાખ્યો છે.

યુનુસ ચીતલાવાલા, 'વીજળીઃહાજી કાસમ' પુસ્તકના લેખક (તસવીર સૌજન્યઃનરેશ મકવાણા)

જો કે ખાટલે મોટી ખોટ એ છે કે આ પુસ્તક વિશે ખાસ ન તો લોકોને જાણ છે, ન તો આ પુસ્તકને સન્માન મળ્યું છે. સન્માન પણ દૂરની વાત છે. માત્ર 100-150 પાનાના આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ નથી છપાઈ. અભિયાન મેગેઝિનના રિપોર્ટર નરેશ મકવાણાએ આ પુસ્તકને આધારે લેખક યુનુસ ચીતલવાલા સાથે વાત કરીને વીજળીની દુર્ઘટના અંગેના અજાણ્યા તથ્યો શોધી કાઢ્યા છે. નરેશ મકવાણાના કહેવા પ્રમામે આ પુસ્તક યુનુસ ચીતલવાલાએ 2010માં લખ્યું છે. અને લગભગ 5 વર્ષ કરતા વધુ રિસર્ચ કરીને તેમણે પુસ્તક તૈયાર કર્યું છે. પત્રકાર નરેશ મકવાણા વીજળી વિશેના યુનુસ ચીતલવાલાના પુસ્તકને સૌથી વિશ્વાસપાત્ર પુસ્તક ગણાવે છે.

આ પણ વાંચોઃ ગરવી ગુર્જર ધરા અને તેની સંસ્કૃતિને જાણવા વાંચો આ બુક્સ

આ પુસ્તક મુજબ વીજળી એ આગબોટ નહોતી પરંતુ ત્રણ વર્ષ જૂની સ્ટીમર હતી, જે ડૂબવાના ચાર વર્ષ અગાઉ 1885માં બની હતી. અને તેનું મૂળ નામ વૈતરણા હતું. આ સ્ટીમર શેફર્ડ એન્ડ કંપનીની માલિકીની હતી, અને દુર્ઘટના સમયે તેના કેપ્ટન કાસમ ઈબ્રાહિમ હતા. કદાચ તેના પરથી જ વીજળીને લોકગીતમાં હાજી કાસમની કહેવાઈ છે. નરેશ મકવાણાના કહેવા પ્રમાણે વીજળીનો મૂળ રૂટ માંડવીથી મુંબઈનો હતો. વીજળી ડૂબી ત્યારે માંગરોળ નહીં પરંતુ માંગરોળથી આગળના દરિયામાં. મુંબઈ તરફ જતી વખતે દરિયામાં સર્જાયેલા વાવાઝોડામાં વીજળી એટલે કે એસ. એસ. વૈટરના ડૂબી હતી.

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

આ લોકગીત પ્રમાણે વીજળીમાં 1300 માણસો ડૂબ્યા હતા. લોકવાયકા પ્રમાણે તેમાં 400 જેટલા મેટ્રિકના વિદ્યાર્થીઓ ઉપરાંત 13 જાન અને જાનૈયાઓ હતા. જો કે નરેશ મકવાણાના રિપોર્ટ પ્રમાણે અને યુનુસ ચીતલવાલાના પુસ્તક પ્રમાણે આ આંકડો વધુ પડતો છે. નરેશ મકવાણાએ પોતાના સંશોધિત આર્ટિકલમાં ઉલ્લેખ કર્યો છે કે તે સમયે મેટ્રિક સુધીનું શિક્ષણ અઘરું હતું એટલે 400 વિદ્યાર્થીઓ કદાચ શક્ય નથી. તો યુનુસ ચીતલવાલાએ પણ પોતાના પુસ્તકમાં કુલ 743 પેસેન્જરો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે મતમતાંતરો વચ્ચે કુલ કેટલા લોકો મૃત્યુ પામ્યા તેનો ઉલ્લેખ નથી.

આ પણ વાંચોઃ ગુજરાતના મિજાજ અને રંગોનો પર્યાય છે મેળાઓ, તમે પણ લો મુલાકાત

તો લોકગીતમાં કહેવાયા પ્રમાણે દરિયામાં તોફાનને કારણે પોરબંદરથી વીજળીને આગળ ન જવા ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તોરમાં ને તોરમાં કપ્તાને વીજળીને આગળ ધપાવ્યે રાખી. આખરે વીજળી તોફાન સામે ઝીંક ન ઝીલી શકી અને દરિયામાં મુસાફરો સાથે ગરકાવ થઈ ગઈ. જો કે આ દુર્ઘટનામાં સદભાગે કેટલાક મુસાફરો બચી પણ ગયા હતા.

હવે ચોંકાવનારી વાત એ છે કે હાજી કાસમની વીજળી નામના લોકગીત સિવાય લોકસાહિત્યમાં વીજળીનો ખાસ ઉલ્લેખ નથી. 1912માં ડૂબેલી ટાઈટેનિક પરથી હોલીવુડ જબરજસ્ત ફિલ્મ બનાવીને તેને અમર કરી ચૂક્યુ છે. પરંતુ ફિલ્મ તો દૂર ગુજરાતી સાહિત્યમાં તેનો ખાસ ઉલ્લેખ નથી. યુનુસ ચીતલવાલાએ ખૂબ જ મહેનત કરીને પુસ્તક લખ્યું છે, તો તેની બીજી આવૃત્તિ નથી છપાઈ. ત્યારે વિચાર આપણે જ આપણા વલણ પર કરવાનો છે કે આપણો ઈતિહાસ આપણે કેવી રીતે સાચવીશું.

gujarat