રાજ્યના 26 સાંસદો ચૂંટવા પાછળ થશે 395 કરોડ રૂપિયાનો ખર્ચ

21 March, 2019 04:51 PM IST  | 

રાજ્યના 26 સાંસદો ચૂંટવા પાછળ થશે 395 કરોડ રૂપિયાનો ખર્ચ

મતદાન પાછળ થશે 395 કરોડનો ખર્ચ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. રાજકીય પક્ષોએ આ માટે કામગીરી શરૂ કરી દીધી છે, તો તંત્ર પણ ચૂંટણી પહેલાની તૈયારીમાં પડ્યું છે. આ વખતે ભારતની લોકસભાની ચૂંટણીનો ખર્ચ અમેરિકા કરતા પણ વધી જાય તેવા અહેવાલો ચૂંટણીની જાહેરાત સમયે જ આવી ચૂક્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતની દરેક લોકસભાની બેઠક પર ચૂંટણીનો ખર્ચ 15.19 કરોડ રૂપિયા થશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 26 સાંસદોની ચૂંટણી પાછળ કુલ 395 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એટલે કે એક સાંસદ ચૂંટવા પાછળ જનતાના 15.19 કરોડ રૂપિયા વપરાશે. જે ગત લોકસબાની ચૂંટણી કરતા સાડા ત્રણ ગણો વધારે છે. જો કે મતદાનમાં કોઈ વધારો નોંધાય તેવી શક્યતાઓ નથી.

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાના કહેવા પ્રમાણે, ચૂંટણી પાછળ થતા ખર્ચને મતદાનની ટકાવારી સાથે કોઈ સંબંધ નથી. તેમનું કહેવું છે કે 2009માં થયેલા પગાર વધારા બાદ ચૂંટણી ખર્ચ વધ્યો છે. ચૂંટણી કામ માટે વપરાતા વાહનોના ભાડા, ભોજન અને અન્ય નાની મોટી જરૂરિયાતો પાછળનો ખર્ચ પણ વધ્યો છે.

તો ખર્ચ વધવા પાછળ ચૂંટણી કમિશનર પોલિંગ બુથની સંખ્યા વધવાનો પણ કારણભૂત ગણાવે છે. એસ. મુરલી ક્રિષ્નાનું કહેવું છે કે સંવેદનશીલ બૂથ પરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે અને આવા બૂથની સંખ્યા 5 હજાર જેટલી છે, જેને કારણે પણ ચૂંટણી ખર્ચમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ 24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

ઉલ્લેખનીય છે કે એક સાંસદને પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે વાપરવા માટે 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે છે, જો કે આવા એક સાંસદને ચૂંટવા પાછળ જનતાના 15 કરોડ રૂપિયા વપરાય છે.

gujarat news Election 2019