હાશ, 15 ઓક્ટોબર સુધી નહીં ભરવો ટ્રાફિકના નિયમનો વધેલો દંડ

18 September, 2019 02:11 PM IST  |  ગાંધીનગર

હાશ, 15 ઓક્ટોબર સુધી નહીં ભરવો ટ્રાફિકના નિયમનો વધેલો દંડ

નવા નિયમનો અમલ મોકૂફ

નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમ બદલ થતા દંડમાં મોટો વધારો થયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વિજય રૂપાણી સરકારે નાગરિકોને આ મામલે બીજી વખત રાહત આપી છે. પહેલા તો રૂપાણી સરકારે દંડની રકમમાં ઘટાડો કર્યો. હવે રાજ્ય સરકારે નિયમનો અમલ થોડાક દિવસ પછી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવાની મુદતમાં એક મહિનાની રાહત આપી છે. હવે આ નવો નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો.

પીયુસીના નવા સેન્ટર ખુલશે

રાજ્ય સરકાર તરફથી વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ આ નિર્ણયની જાહેરાત કરી. આર. સી. ફળદુએ સીએમ વિજય રૂપાણીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાની માહિતી. તેમણે કહ્યું,'આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં 15મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUCને માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરીને તેમાં પણ આ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં PUCના 900 સેન્ટરો ખુલે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.'

હેલમેટ મળશે મફત

આ સાથે જ રાજ્ય સરકારે નવા વાહનોની ખરીદી સાથે હેલમેટ આપવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. રાજ્ય સરકારના નવા નિર્ણય પ્રમામે વાહનોને ડીલરોએ કોઈ પણ ચાર્જ લીધા વિના ટુ વ્હિલર સાથે ગ્રાહકને ફરજિયાત હેલમેટ આપવું પડશે. આ હેલમેટ ISI ગુણવત્તાનું હોવું જરૂરી છે. સરકાર ટૂંક સમયમાં જ આ મામલે પરિપત્ર જાહેર કરશે.

આ પણ વાંચોઃ ‘દંડ લેશો તો જીવ આપી દઇશ’ ટ્રાફિક નિયમ તોડતા દંડ વસુલતી વખતે પોલીસને મળ્યો આવો જવાબ

નવા નિયમનો થોડાક દિવસ અમલ કર્યા બાદ હવે તે લંબાવાયો છે. ત્યારે અત્યાર સુધી જે લોકોએ દંડ ભર્યો છે તેમને દંડ પાછો નહીં મળવાની સ્પષ્ટતા પણ વાહનવ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ કરી છે. વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.

gujarat Vijay Rupani news