ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી

03 July, 2022 12:25 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

દિયોદરમાં આઠ ઇંચ, જ્યારે ડીસા અને અમીરગઢમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો, ૫૦ તાલુકામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો

જૂનાગઢના દામોદર કુંડમાં પાણી આવ્યાં હતાં.

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ગુજરાતમાં જાણે કે જમાવટ કરી દીધી હોય એમ અષાઢમાં મેહુલો ગુજરાત પર અનરાધાર વરસ્યો હતો. જૂનાગઢ અને નવસારી પર મેઘો મહેરબાન થયો હતો તો શુક્રવારે રાત્રે બનાસકાંઠા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ ગરવા ગિરનાર પર્વત પર પડેલા વરસાદથી દામોદર કુંડ છલકાયો હતો, જ્યારે બીજી તરફ બનાસકાંઠાના દિયોદરમાં આઠ ઇંચ જેટલો જ્યારે ડીસા અને અમીરગઢમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અચરજ પમાડે એવી બાબત એ બની હતી કે ડીસાના નવા બનેલા બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૨૮ તાલુકામાં ભારેથી હળવો વરસાદ નોંધાયો હતો, જેમાં ૫૦ તાલુકામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ચાર ઇંચથી વધુ, તાપી જિલ્લાના ડોલવણ અને મહિસાગર જિલ્લાના વિરપુરમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના ખેરગામમાં પોણાચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખંભાળિયા, વાસંદા, વંથલી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, કચ્છના માંડવી અને માળિયામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ગણદેવી, વાપી, તલાલા, નવસારી, ઉમરગામ, કપરાડા, માંગરોળ, ચોર્યાસી, લખપત, પલસાણા અને વડાલી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 
ગિરનાર પર્વત પર પડેલા વરસાદથી દામોદર કુંડ છલકાયો હતો, જ્યારે જોષીપુરાના અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં એ વાહનચાલકો માટે બંધ કરાયો હતો. ગિરનાર પર્વત પર વરસાદ પડતાં પગથિયાં પરથી પાણી વહેવા લાગ્યાં હતાં અને આહલાદક દૃશ્યો સર્જાયાં હતાં. નવસારીનું ખરસાડ ગામ અને એની આસપાસ વરસાદી પાણી ભરાઈ જતાં સંપર્કવિહોણું બન્યું હતું. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવ્યાં હતાં.
શુક્રવારે રાત્રે બનાસકાંઠા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દિયોદરમાં ૧૯૦ આઠ ઇંચ જેટલો, જ્યારે ડીસા અને અમીરગઢમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વાવમાં ત્રણ ઇંચ, ભાભર, કાંકરેજ અને સુઇગામ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ડીસામાં પડેલા પાંચ ઇંચ વરસાદના પગલે નવા બનેલા એલિવેટેડ બ્રિજ પર એકથી દોઢ ફુટ પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ આખોલ ચાર રસ્તા પાસે અંદાજે ૫૦ જેટલી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. બેકરી કૂવા વિસ્તારમાં વરસાદના પગલે બે મકાનો ધસી પડ્યાં હતાં.

gujarat gujarat news Gujarat Rains shailesh nayak