ગુજરાતભરમાં મેઘમહેરઃ સુરત નિઝરમાં સાડાત્રણ ઇંચ વરસાદ

22 July, 2019 07:26 AM IST  |  ગાંધીનગર

ગુજરાતભરમાં મેઘમહેરઃ સુરત નિઝરમાં સાડાત્રણ ઇંચ વરસાદ

File Photo

ગુજરાતમાં વરસાદના એક મહિનાના વિરામ બાદ ગઈ કાલ સાંજથી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું હતું જે આજે સવારે પણ જારી રહ્યું હતું. સુરત અને નિઝરમાં ૩.૪ ઇંચ વરસાદ અને જૂનાગઢ જિલ્લામાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ૨૧થી ૨૫ જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. ત્યારે અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ સહિત વિવિધ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હોવાથી પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં વહેલી સવારે પાંચ વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે વરસાદ પડતાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયાં હતાં. અમરેલીના લાઠી, સાંવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદથી ગામડાંઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. આ સિવાય બાબરામાં પણ ભારે વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે. જસદણ પંથકમાં આટકોટમાં સવારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

કચ્છમાં વરસાદ અને વીજળીનો કહેર: એક જણે જીવ ગુમાવ્યો

વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. કચ્છના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. અબડાસાના સાધાણવાડી વિસ્તારમાં વીજળી પડતાં ખેતમજૂરના ૧૫ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. માંડવી, હાજીપીર, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, સામખિયાળી, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

કચ્છના અબડાસા તાલુકાના સાધાણવાડી વિસ્તારમાં વાડીમાં વીજળી પડતાં પંચમહાલ જિલ્લાના ખેતમજૂરના ૧૫ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના અમારા, અબડાસાના વરાડિયા સહિતનાં આસપાસનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. કોટડા, દુઘઈ, કનૈયાબે પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે માતાના મઢ ખાતે પણ ગીજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો તથા કોઠારા વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

Gujarat Rains kutch surat news