રિક્ષામાં આવેલા માણસો કૅશવૅનમાંથી વીસ લાખની લૂંટ મચાવી ફરાર

18 September, 2019 09:06 AM IST  |  સુરત

રિક્ષામાં આવેલા માણસો કૅશવૅનમાંથી વીસ લાખની લૂંટ મચાવી ફરાર

રિક્ષામાં આવેલા માણસો કૅશવૅનમાંથી વીસ લાખની લૂંટ મચાવી ફરાર

ચોકબજાર વિસ્તારમાં આવેલી એસબીઆઇ બૅન્ક બહાર વીસ લાખની લૂંટની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. વિવિધ બૅન્કમાં રૂપિયા લાવવા-લઈ જવાનું કામ કરતી કંપનીની વૅનમાંથી વીસ લાખ રૂપિયા ભરેલી બૅગની લૂંટ કરવામાં આવી હતી. રિક્ષામાં આવેલા અજાણ્યા માણસો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે ઘટના બની એનાથી બસો મીટર દૂર જ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસ આવેલી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના સિલિકૉન શૉપર કૉમ્પ્લેક્સમાં આવેલી રેડિયન્ટ કંપની વિવિધ બૅન્કોમાંથી રૂપિયા લાવવા-લઈ જવાનું કામ કરે છે. આજે કંપનીની ગાડી રૂપિયા લઈને ડ્રાઇવર સુભાષ અને ગનમૅન રમેશસિંહ ચોકબજાર ખાતે આવેલી એસબીઆઇ બૅન્કમાં જમા કરાવવા ગયા હતા. ગનમૅન ગાડીમાં બેઠો હતો અને ડ્રાઇવર ૪૨ લાખ રૂપિયા ભરેલી બૅગ લઈને બૅન્કમાં જમા કરાવવા ગયો હતો. દરમિયાન રિક્ષામાં અજાણ્યા ચાર જેટલા માણસો આવ્યા હતા. અજાણ્યા માણસોએ ગનમૅનને કહ્યું હતું કે તારા ૧૦ રૂપિયા પડી ગયા છે, જેથી ગનમૅન ગાડીમાંથી ઊતરી ૧૦ રૂપિયા લેવા જતાં અજાણ્યા માણસો ચપળતાથી ગાડીમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બૅગ લઈને રિક્ષામાં ફરાર થઈ ગયા. બાદમાં ગનમૅનને બૅગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થઈ. દરમિયાન ડ્રાઇવર પણ આવી ગયો. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ટ્રાફિક નિયમ તોડવા બદલ પ્રથમ દિવસે 7 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો

૨૦ લાખની લૂંટની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ, એફએસએલ, ડૉગ સ્ક્વૉડની ટીમ પણ જોડાઈ હતી. પોલીસ તપાસ કરતાં બૅન્કના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ છે. પોલીસને લૂંટારા જે રિક્ષામાં આવ્યા હતા એ રિક્ષાનો નંબર મળી જતાં સીસીટીવી અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

gujarat surat Crime News