ટ્રાફિક નિયમ તોડવા બદલ પ્રથમ દિવસે 7 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો

Published: Sep 18, 2019, 08:54 IST | અમદાવાદ

પીયુસી કઢાવવા ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છતાં બે વ્યક્તિઓને દંડ ફટકાર્યો, હેલ્મેટ ન પહેરવા બદલ ૬૨૨ લોકો દંડાયા, સીટબેલ્ટ વગરના લોકોને ૧.૧૩ લાખનો દંડ

ટ્રાફિક નિયમ
ટ્રાફિક નિયમ

સોમવારથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બની ગયા છે, જેમાં રાજ્યભરમાં ટ્રાફિક નિયમો ન પાળનારાઓ સામે ટ્રાફિક-પોલીસે હળવી કામગીરી કરી હતી. પોલીસે લોકો ભયમાં ન મુકાય એ રીતે રૂટીન કામગીરી કરી હતી. નવા દંડની જોગવાઈના અમલીકરણના પહેલા દિવસે ટ્રાફિક-પોલીસે કુલ અલગ-અલગ પ્રકારના ૧૯૦૦ કેસ કરી સાત લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો.

ટ્રાફિકના નિયમો ન પાળનારા લોકો સામે ટ્રાફિક-પોલીસે કાર્યવાહી શરૂ કરતાં ક્યાંક આ નિયમોને લઈને નારાજગી પણ જોવા મળી હતી. અમદાવાદ ખાતે પોલીસે પ્રથમ દિવસે ૭ લાખ બે હજારનો દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક-પોલીસના કહેવા પ્રમાણે દિવસ દરમિયાન અલગ-અલગ પ્રકારના ૧૯૦૦ પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્યત્વે ટ્રાફિક સાઇન ભંગના ૪૯ કેસ, ગેરકાયદે પાર્કિંગના ૩૯૮ કેસ, હેલ્મેટ ન પહેરવાના ૬૨૨ કેસ, સીટબેલ્ટ ન બાંધ્યા હોય એવા ૨૨૬ કેસ, ડાર્ક ફિલ્મના ૪૮ કેસ, ત્રણ સવારી ૩૬૨ કેસ, લાઇસન્સ વગરના ૫૦ કેસ કરાયા હતા. વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે. છતાં પણ સોમવારે સરકારના આદેશની ઐસી કી તૈસી કરેલી બે વ્યક્તિઓ પાસેથી પીયુસી ન રાખવા બદલ પોલીસે ૫૦૦-૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં ત્રણ દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

નવા નિયમો અમલી બન્યા છે ત્યારે સરકારી કર્મીઓ નિયમો પાળવામાં પાછળ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રાફિક-પોલીસ વિભાગમાં નોંધાયેલા આંકડા પ્રમાણે ૭થી૧૪ સપ્ટેમ્બર સુધીમાં ૧૨૪ સરકારી કર્મીઓ દંડાયા હતા. સરકારી કર્મીઓ પાસેથી ૧૩,૧૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ હળવી રીતે લોકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK