ગુજરાતના કૉન્ગ્રેસી અગ્રણીઓનું દિલ્હીના નેતાઓને ચિકન સૅન્ડવિચ મળી કે નહીં એના પર જ ધ્યાન

19 May, 2022 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પટેલે રાજીનામું આપતી વખતે લખેલા પત્રમાં રામ મંદિર, સીએએ, કલમ ૩૭૦ જેવા મુદ્દે કૉન્ગ્રેસના વલણ પર ઉઠાવ્યા સવાલ, તો શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પત્ર બીજેપીએ જ લખાવ્યો છે

હાર્દિક પટેલ


અમદાવાદ : હાર્દિક પટેલે કૉન્ગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપ્યું છે એ પત્રમાં રામ મંદિર, સીએએ, એનઆરસી, કલમ ૩૭૦, જીએસટીના મુદ્દે કૉન્ગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા છે અને કૉન્ગ્રેસ ગુજરાતની જનતા માટે કંઈ સારું કરવા નથી માગતી એ રીતનો રોષ કે લાગણી વ્યક્ત કરી કૉન્ગ્રેસને ટાર્ગેટ પર લીધી છે ત્યારે હાર્દિક પટેલના આ લેટર પાછળ કોનું ભેજું છે એવો પ્રશ્ન ઊઠ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ એકબીજા પક્ષ માટે જે ભાષાપ્રયોગ કરે અને વોટ અંકે કરવા રાજરમત થાય એવી વાત પત્રના લખાણ પરથી જણાઈ રહી છે.


હાર્દિક પટેલે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, સીએએ–એનઆરસીનો મુદ્દો હોય, જમ્મુ–કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય કે જીએસટી લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી એનો ઉકેલ ઇચ્છતો હતો અને કૉન્ગ્રેસ પાર્ટી માત્ર એમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી. ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય; દરેક મુદ્દે કૉન્ગ્રેસનું સ્ટૅન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે. ’
રાહુલ ગાંધીનું નામ કે ગુજરાતના નેતાઓનાં નામ લખ્યા વગર પત્રમાં જણાવ્યું છે કે ‘જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કૉન્ગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય તો કૉન્ગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જુએ? ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સૅન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક ગુજરાતીનું જ અપમાન કરે છે.’ 
હાર્દિક પટેલે રાજીનામા પત્રમાં રાહુલ ગાંધીનું નામ લખ્યા સિવાય આક્ષેપ કરતાં ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયાને કહ્યું હતું કે ‘હાર્દિક સ્ટાર પ્રચારક બની ગયો હતો અને અચાનક તેમના પર આરોપ લગાવો છો તો આનાથી વધુ અવસરવાદી ચહેરો કોણ હોઈ શકે.’
ગુજરાતના કૉન્ગ્રેસ અગ્રણી અને સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલના પત્રના મુદ્દે આક્ષેપ 
કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘જે કંઈ તેણે લખ્યું છે એ સાફ-સાફ બીજેપીએ લખાવેલું છે.’

gujarat politics gujarat news Gujarat Congress