મોટર વેહિકલ એક્ટ સામે જનતામાં રોષ, દંડમાં રાહત આપવા સરકારની વિચારણા

08 September, 2019 10:59 AM IST  |  અમદાવાદ

મોટર વેહિકલ એક્ટ સામે જનતામાં રોષ, દંડમાં રાહત આપવા સરકારની વિચારણા

ટ્રાફિક

કેન્દ્ર સરકારે મોટર વેહિકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવાની છે, ગુજરાતમાં જંગી દંડની વસૂલાતનો અમલ આગામી દિવસોમાં શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલાં જ રોષ જોવા મળી રહ્યો છે. જેથી લોકો સોશ્યલ મીડિયાના સહારે ગુજરાતની જનતા મોટર વેહિકલ એક્ટનો ઉગ્ર વિરોધ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર આ એક્ટ લાગુ કરવા અંગે અવઢવમાં છે. જેને પગલે સીએમ હાઉસમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગ અનિર્ણિત રહી હતી. આ અંગે મળનારી બેઠક પણ મુલતવી રાખી છે.

ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં ભારત સરકારના નોટિફિકેશન મુજબ દંડની રકમમાં સુધારો કરવા સીએમ હાઉસમાં મુખ્ય પ્રધાન રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી ડૉ. જે. એન. સિંધ, વાહનવ્યવહાર અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની શુક્રવારે સાંજે બેઠક મળી હતી જેમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ બેઠકમાં જૂના અને નવા નિયમો વચ્ચેનો તફાવત, અન્ય રાજ્યોમાં નવા નોટિફિકેશન સંદર્ભે ચાલી રહેલી કવાયત તેમ જ રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ સબબ નોંધાયેલા ગુના અને દંડ વસૂલાતની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. જેના આધારે દરખાસ્ત તૈયાર કરવા મુખ્ય પ્રધાન સ્તરેથી વાહનવ્યવહાર અગ્રસચિવને સૂચના અપાઈ છે.

આ પણ વાંચો : પોરબંદરથી 500 જવાનો દિલ્હી રાજઘાટ સુધી સાઇકલયાત્રા પર રવાના

રવિવારે ઑટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીએ તાકીદની મીટિંગ બોલાવી છે, કમિટીનું કહેવું છે કે, જંગી દંડ સામે રિક્ષાચાલકોમાં ભય ફેલાયો છે, આગામી ૧૦ સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરાયું છે. જો સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો રાજ્યવ્યાપી રિક્ષા હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે.

gujarat ahmedabad