નિત્યાનંદ આશ્રમ વિવાદઃ કરણી સેનાએ આશ્રમમાં ઘૂસી યુવતીની શોધખોળ કરી

18 November, 2019 10:06 AM IST  |  Ahmedabad

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ કરણી સેનાએ આશ્રમમાં ઘૂસી યુવતીની શોધખોળ કરી

નિત્યાનંદ આશ્રમ

હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં બૅન્ગલોરના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે શુક્રવાર રાતથી શરૂ થયેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો નહોતો. ફેસબુક લાઇવ કરી યુવતીએ પોતે આશ્રમમાં જ રહેવા માગે છે એવી કેફિયત રજૂ કર્યા પછી પોલીસ તંત્રએ પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે કંઈ થઈ શકે નહીં એમ કહી મામલાને થાળે પાડ્યો હતો. જોકે આજે આ બાળકોના પરિવારના સમર્થનમાં કરણી સેના ઊતરી આવી છે. કરણી સેનાએ નિત્યાનંદ આશ્રમમાં હોબાળો કર્યો છે અને કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. તેમ જ ગુમ યુવતીની તપાસ કરી હતી, જેને પગલે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યકરોને સમજાવી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ આશ્રમ બહાર ધરણાં કર્યાં હતાં.

આ દરમિયાન પોલીસે અંદર જઈને આશ્રમના દરવાજા બંધ કરાવ્યા હતા એટલું જ નહીં, આશ્રમના સંચાલકોએ મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આ મામલે હાલ પોલીસે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

બૅન્ગલોરના જનાર્દન શર્મા નામની વ્યક્તિનાં ૪ સંતાનોએ કર્ણાટકના આશ્રમમાં દીક્ષા લીધી હતી. તે પૈકી ૨૨ વર્ષની યુવતી દોઢ વર્ષથી ગુમ છે, જ્યારે બીજી યુવતીએ વિડિયો પોસ્ટ કરી તેના પર આશ્રમમાં દુષ્કર્મ આચરાયું હોવાનું કહ્યું હતું. આથી પરિવારજનો તેને શોધવા એક સપ્તાહથી અમદાવાદ આવ્યા છે. શુક્રવારે મોડી રાતે ચાઇલ્ડ વેલ્ફેર અને માનવ અધિકારપંચના અધિકારીઓની ટીમ અને વિવેકાનંદનગર પોલીસને સાથે પરિવાર આશ્રમે આવ્યો હતો, પરંતુ આશ્રમ બહાર કલાકો સુધી રાહ જોવડાવતાં હાઈ વૉલ્ટેજ ડ્રામા થયો હતો. ત્યાર બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો નહોતો.ૉ

આ પણ વાંચો : કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ-સ્ટેશન નહીં જવું પડે

જોકે ગુમ યુવતીએ ફેસબુક લાઇવ કરી પોતે આશ્રમમાં જ રહેવા માગે છે એવી કેફિયત રજૂ કર્યા પછી પોલીસે પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે કંઈ થઈ શકે નહીં એમ કહી મામલાને થાળે પાડ્યો હતો. પરંતુ પરિવારજનોએ યુવતીને મળ્યા વિના નહીં જવાની હઠ પકડી અમદાવાદમાં જ રહેવાનો નિર્ધાર માધ્યમો સમક્ષ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ આશ્રમની જમીન મામલે પણ વિવાદ ઊભો થયો છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમે પણ આશ્રમની મુલાકાત લઈ બાળકોને કરાવાતા અભ્યાસ મામલે તપાસ કરી હતી.

gujarat ahmedabad